02 December, 2025 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવજાત શિશુ તેની ડિલિવરી કરનાર દેવદૂત સમી મહિલા કૉન્સ્ટેબલ સાથે.
ડોંગરીના ઉમરખાડી વિસ્તારમાં ફુટપાથ પર એક મહિલાને પ્રસૂતિની પીડા ઊપડી હોવાની માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસની એક ટીમ ઍક્શનમાં આવી હતી. ગીચ વસ્તીવાળા રસ્તા પર મહિલાની ડિલિવરીનો સમય નજીક આવતાં બે મહિલા કૉન્સ્ટેબલો અને સ્થાનિક મહિલાઓ આ મહિલાની મદદે દોડી આવી હતી. મહિલાઓએ ફુટપાથને કૉર્ડન કરીને પ્રાઇવેટ લેબર રૂમ ઊભો કરી દીધો હતો અને બીટ માર્શલ સુનીલ ખડસેએ ગ્લવ્ઝ, કપડાં વગેરે જોઈતી બધી વસ્તુઓ લાવી આપી હતી.
બાળકનો જન્મ થયા બાદ પોલીસ-કર્મચારીઓએ માતા અને નવજાત શિશુ બન્નેને જેજે હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં જ્યાં બન્નેની તબિયત સારી હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે. બીટ માર્શલ સુનીલ ખડસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે ૧૧.૧૬ વાગ્યે ડિસ્ટ્રેસ કૉલ આવ્યો કે ફુટપાથ પર એક મહિલાને ડિલિવરીનો સમય આવી ગયો છે. ત્યાર બાદ ડોંગરી મોબાઇલ પાંચ અને એક નંબરની વૅનની બે મહિલા કૉન્સ્ટેબલો ૧૧.૨૧ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે જોયું તો મહિલાને એ જ જગ્યાએ ડિલિવરી કરાવવી પડે એવી પરિસ્થિતિ હતી અને તેનો પતિ મદદની રાહ જોઈને બાજુમાં ઊભો હતો.’
ત્યાર બાદ બે મહિલા કૉન્સ્ટેબલ અને સ્થાનિક મહિલાઓએ ભેગી મળીને ડિલિવરી કરાવી હતી. ખૂબ ઓછાં સાધનો છતાં બાળકનો જન્મ કરાવવામાં સફળતા મળી હતી. મહિલા કૉન્સ્ટેબલે માતા અને બાળકને તાત્કાલિક જેજે હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં, જ્યાં ડૉક્ટરે નાળ કાપીને બાળક અને માતાને ઉગારી લીધાં હતાં. અત્યારે માતા અને બાળક જેજે હૉસ્પિટલમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. મુંબઈ પોલીસે આ પોસ્ટ શૅર કર્યા બાદ અનેક લોકોએ ડોંગરી પોલીસના કામની પ્રશંસા કરી હતી.