24 May, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નશામાં ધુત ડ્રગ્સના બંધાણીઓએ કારની જે વલે કરી છે એ દેખાડતો રહેવાસી.
થાણેના કલવા વિસ્તારમાં ડ્રગ્સના બંધાણીઓ દ્વારા ફેલાવવામાં આવતા આતંકની વધુ એક ઘટના સામે આવી છે. અહીંના ગણપતિપાડા વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી ૧૦ કારનો ડ્રગ્સના બંધાણીઓએ કચ્ચરઘાણ વાળ્યો હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે પોતાનાં વાહનોના તૂટેલા કાચ જોઈને કારમાલિકો અચંબામાં પડી ગયા હતા.
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને રોષ બન્ને જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા પોલીસ રાતના સમયે આ વિસ્તારમાં પૅટ્રોલિંગ વધારે એવી માગણી પણ કરવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં રાતના સમયે ડ્રગ્સ ઉપરાંત અન્ય નશો કરતા નશેડીઓનો આતંક વધતો જાય છે અને એને ડામવા માટે પોલીસે પૅટ્રોલિંગ વધારવું જોઇએ.
આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો કલવા પોલીસ-સ્ટેશનની બહાર ભેગા થયા હતા અને ફરિયાદ નોંધાવીને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની અને આ દૂષણનો કાયમી સ્વરૂપે અંત લાવવા પગલાં લેવાની માગણી કરી હતી.