ફિલ્મસ્ટાર્સ અને ફૅશન-ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઝ માટે તો હું રેવ-પાર્ટીનું આયોજન કરતો હતો

14 November, 2025 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

UAEથી ડિપૉર્ટ કરીને લાવવામાં આવેલા ડ્રગ-માફિયા લૅવિશે મોઢું ખોલ્યું

પ્રતીકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂઆતો પછી યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)થી ડ્રગ-માફિયા મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખ ઉર્ફે લૅવિશને ડિપૉર્ટ કરીને ગયા મહિને ભારત લાવવામાં આવ્યો હતો. હાલ તેની કસ્ટડી ઍન્ટિ નાર્કોટિક્સ સેલ (ANC)ના ઘાટકોપર યુનિટ પાસે છે. દુબઈથી પોતાના ગોરખધંધાને ઑપરેટ કરતા લૅવિશે પૂછપરછ દરમ્યાન કબૂલ્યું હતું કે તે ભારતમાં અને વિદેશમાં ફિલ્મસ્ટાર્સ અને ફૅશન-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી સેલિબ્રિટીઝ માટે રેવ-પાર્ટીનું આયોજન કરતો હતો. તેની પાર્ટીમાં દાઉદના​ ભત્રીજા અલી શાહ પારકર સહિત બીજા અનેક ગૅન્ગસ્ટર્સ પણ આવતા હતા. ANCના ઑફિસરનું કહેવું છે કે લૅવિશ આ પાર્ટીમાં આવનારાઓને ડ્રગ્સ પૂરું પાડતો હતો.

આવી પાર્ટીઓ બીજું કોણ સ્પૉન્સર કરતું હતું અને લૅવિશ કોને-કોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો એ બાબતોની તપાસ ANC ચલાવી રહી છે એટલું ​જ નહીં, એ પાર્ટીમાં આવનારી સેલિબ્રિટીઝનાં નામ પણ લૅવિશે આપ્યાં છે. એથી તે લોકોની પણ આ કેસમાં પૂછપરછ થઈ શકે છે એવું ANCના ઑફિસરે જણાવ્યું હતું.

માર્ચ ૨૦૨૪માં ANC દ્વારા સાંગલીમાં કાર્યવાહી કરીને ડ્રગ-ફૅક્ટરીમાંથી ૨૫૨ કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું. એ કેસમાં ઝીણવટભરી તપાસ કરતાં લૅવિશનું નામ બહાર આવ્યું હતું. હાઇ-ફાઇ લાઇફસ્ટાઇલ, મોંઘી બ્રૅન્ડની ઘડિયાળો અને લક્ઝરી કારનો શોખીન મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખ તેની આવી વૈભવી આદતોને કારણે ઇન્ટરનૅશનલ ડ્રગ્સ-સિન્ડિકેટમાં લૅવિશ નામે ઓળખાતો હતો.

mumbai news mumbai Crime News mumbai crime news crime branch mumbai crime branch united arab emirates