એક પેટ ડૉગનો બીજા પેટ ડૉગ પર અને એના ઓનર પર અટૅક

24 May, 2026 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને લોહીલુહાણ થઈ ગયા : ઘાટકોપરની ઘટના

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-વેસ્ટમાં આર-સિટી મૉલ નજીક આવેલી એક જાણીતી સોસાયટીના બેઝમેન્ટમાં શુક્રવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અંધેરીમાં બિલ્ડિંગ-બાંધકામનો વ્યવસાય કરતા ૫૮ વર્ષના આધેડ અને તેમની પુત્રી તેમના લૅબ્રૅડોર જાતિના પેટ શ્વાન લિયોને ફેરવી રહ્યાં હતાં ત્યારે ત્યાં ટાવર-નંબર પાંચમાં રહેતી એક મહિલાનો હાઉસહેલ્પ તેમના ગોલ્ડન રિટ્રીવર શ્વાનને લઈને આવ્યો હતો. આ શ્વાનને સાંકળ તો બાંધેલી હતી પરંતુ એના મોં પર સુરક્ષા-પટ્ટો લગાવ્યો ન હોવાથી એ લિયોને જોઈને અચાનક આક્રમક બન્યો હતો અને લિયો તેમ જ આધેડ પર જોરદાર હુમલો કરી દીધો હતો. આ ભયાનક હુમલામાં આધેડ અને તેમનો શ્વાન બન્ને ગંભીર જખમી થયા હતા. આ સંદર્ભે પાર્કસાઇટ પોલીસે પાલતુ શ્વાનના માલિક સામે બેદરકારીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.mu

પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ હુમલામાં શ્વાને આધેડના ડાબા હાથમાં ગંભીર બચકાં ભરીને તેમને ઈજા પહોંચાડી હતી તેમ જ તેમના શ્વાન લિયોના કાન અને ગળાના ભાગે કરડીને એને લોહીલુહાણ કરી દીધો હતો. માંડ-માંડ પોતાનો જીવ બચાવીને આધેડે પોતાના શ્વાનને ચેમ્બુરના પેટ ક્લિનિકમાં સારવાર અપાવી હતી અને પોતે ઘાટકોપરની એક હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. ૬ મહિના પહેલાં પણ આ જ શ્વાને તેમની પુત્રીને બચકું ભર્યું હતું છતાં માલિકે કોઈ સાવચેતી રાખી નહોતી. આ ગંભીર બેદરકારી બદલ શ્વાનના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.’

mumbai news mumbai ghatkopar mumbai crime news Crime News