01 November, 2025 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) અભિજિત બાંગરે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું.
ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) પ્રોજેક્ટ અંતર્ગત ગોરેગામમાં દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટી ખાતે લૉન્ચિંગ શાફ્ટના ખોદકામને વેગ આપવામાં આવ્યો છે. ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) અભિજિત બાંગરે શુક્રવારે આ પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કર્યું હતું. દરમ્યાન તેમણે પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂરો કરવાનો નિર્દેશ અધિકારીઓને આપ્યો હતો. મુંબઈનાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને બે ભૂગર્ભ ટનલ દ્વારા જોડનારા આ પ્રોજેક્ટમાં ત્રણ લેન ધરાવતી ૫.૩ કિલોમીટર લાંબી આ ટનલ બે અદ્યતન ટનલ બોરિંગ મશીનો (TBM)નો ઉપયોગ કરીને ખોદવામાં આવશે. જપાનથી ૭૭ કન્ટેનરમાં આયાત કરાયેલા એક TBMના બધા ભાગો સ્થળ પર પહોંચી ગયા છે અને ગોરેગામના જોશ મેદાનમાં અૅસેમ્બલ કરવામાં આવી રહ્યા છે. બીજું TBM ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં અહીં પહોંચશે. TBM માટે એન્ટ્રી-પૉઇન્ટ તરીકે કામ કરનાર લૉન્ચિંગ શાફ્ટ ૨૦૦ મીટર લાંબો, ૫૦ મીટર પહોળો અને ૩૦ મીટર ઊંડો છે. આ પ્રોજેક્ટની ડેડલાઇન ડિસેમ્બર ૨૦૨૮ છે.