12 November, 2025 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાજ્યમાં તમામ ટૂ-વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર માટે હેલ્મેટ પહેરવી અને ફોર-વ્હીલરમાં બેઠેલા બધા જ પૅસેન્જરોએ સીટ-બેલ્ટ પહેરવો ફરજિયાત થશે. આ નિયમનો કડકપણે અમલ કરાવવા માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ રચાયેલી ઉચ્ચ સ્તરની કમિટીએ રાજ્યના ચીફ સેક્રેટરીને ૬ મહિનાનો સમય આપ્યો છે.
સોમવારે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સાથે થયેલી બેઠકમાં રોડ સેફ્ટી માટે બનાવાયેલી સમિતિએ રાજ્ય સરકારને ટૂ-વ્હીલર માટે હેલ્મેટ અને ફોર-વ્હીલરમાં બેઠેલા બધા મુસાફરો માટે સીટ-બેલ્ટ પહેરવાના આદેશનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. રોડ-અકસ્માતના ડેટા મુજબ ૭૦ ટકા અકસ્માતમાં ટૂ-વ્હીલર ચલાવનારનો અને રાહદારીઓનો સમાવેશ થાય છે. આ આંકડો ઘટાડવા અને સુપ્રીમ કોર્ટે ગયા મહિને આપેલા આદેશનું પાલન થાય એ હેતુથી સમિતિએ નવા નિયમના કડક પાલન પર ભાર મૂક્યો હતો.
આ બેઠક બાદ મહારાષ્ટ્ર સરકારે એક પરિપત્ર બહાર પાડીને રાજ્યનાં તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનોને તેમના વાર્ષિક બજેટનો એક ટકા ભાગ રાહદારીઓની સુરક્ષા માટે ફાળવવાનો આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારનું લક્ષ્ય રોડ-અકસ્માતોની સંખ્યા ૩૫ ટકા સુધી ઘટાડવાનું છે. મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવે પર ચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિનામાં ગયા વર્ષ કરતાં અકસ્માતોમાં ૩૮ ટકા વધારો થયો છે, જ્યારે અકસ્માતમાં થયેલાં મૃત્યુના આંકડામાં ૧૬ ટકા વધારો થયો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સમાન સમયગાળામાં આ વર્ષે અકસ્માતમાં ઘટાડો થયો છે. ૪૬ અકસ્માતમાં ૫૧ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે, જ્યારે ગયા વર્ષે ૫૭ અકસ્માતમાં ૭૨ મૃત્યુ થયાં હતાં.
રાજ્યમાં નોંધાયેલા રોડ-અકસ્માતોના આંકડા
વર્ષ કુલ અકસ્માત મૃત્યુ ગંભીર ઈજા
૨૦૨૫ ૨૬,૯૨૨ ૧૧,૫૩૨ ૧૭,૪૩૭
૨૦૨૪ ૩૬,૧૧૮ ૧૫,૭૧૫ ૨૨,૦૫૧
૨૦૨૩ ૩૫,૨૪૩ ૧૫,૩૬૬ ૨૧,૪૪૬
૨૦૨૨ ૩૩,૩૮૩ ૧૫,૨૨૪ ૧૯,૫૪૦
૨૦૨૧ ૨૯,૪૭૭ ૧૩,૫૨૮ ૧૬,૦૭૩