01 November, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૪૪ દિવસમાં ૪૬ લાખ લગ્નો થશે અને ૬.૫૦ લાખ કરોડ રૂપિયાનો વેપાર થશે
લગ્નની સીઝન શરૂ થઈ રહી છે જે દેશની અર્થવ્યવસ્થાને એક નવી ગતિ આપનારી બની રહેશે. કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રિપોર્ટ મુજબ ૨૦૨૫ની પહેલી નવેમ્બરથી ૧૪ ડિસેમ્બર દરમ્યાન લગભગ ૪૬ લાખ લગ્નો થશે. એમાં લગભગ ૬.૫૦ લાખ કરોડ રૂપિયાનો વેપાર થશે. માત્ર દિલ્હીમાં જ ૪.૮ લાખ લગ્નોથી ૧.૮ લાખ કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે. CAITના રાષ્ટ્રીય મહામંત્રી અને સંસદસભ્ય પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે આ રિપોર્ટ માટે ભારતનાં મુખ્ય ૭૫ શહેરોમાંથી માહિતી એકત્ર કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ‘વેડિંગ ઇકૉનૉમી હવે લોકલ વેપારની કરોડરજ્જુ બની ગઈ છે જે પરંપરા, આધુનિકતા અને આત્મનિર્ભરતાનો સંગમ છે.’
રિપોર્ટ મુજબ જોઈએ તો લગ્નોની સંખ્યા ગયા વર્ષ જેટલી જ છે, પરંતુ દરેક લગ્નનો સરેરાશ ખર્ચ વધ્યો છે. વધેલી આવક, મોંઘાં સોના-ચાંદી અને ગ્રાહકોની પસંદને કારણે ખર્ચ વધ્યો છે. વેડિંગને લગતો ૭૦ ટકાથી વધુ સામાન દેશમાં જ બને છે. વસ્ત્રપરિધાન, જ્વેલરી, સજાવટનો સામાન, કેટરિંગ જેવી ચીજોમાં ભારતીય ઉત્પાદનોનો હિસ્સો ખૂબ વધી રહ્યો છે. વોકલ ફૉર લોકલ વેડિંગ અભિયાન અંતર્ગત ચીની લાઇટિંગ અને વિદેશી ગિફ્ટ-આઇટમોની ડિમાન્ડમાં ભારે ઘટાડો થયો છે. દેશભરના મધ્યમ ઉદ્યોગોને અને સ્થાનિક રોજગારને ઉત્તેજન મળ્યું છે.
લગ્નની આ સીઝનથી સરકારને લગભગ ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનો ટૅક્સ મળવાની આશા છે.
લગ્નના ખર્ચનું બ્રેકઅપ
લગ્નમાં કુલ ખર્ચમાંથી લોકો કપડાં અને સાડીઓમાં ૧૦ ટકા, જ્વેલરી પર ૧૫ ટકા, ઇલેક્ટ્રૉનિક્સ પર પાંચ ટકા, મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સ પર પાંચ ટકા અને કૅટરિંગ સર્વિસમાં ૧૦ ટકાનો ખર્ચ કરે છે. ઇવેન્ટ મૅનેજમેન્ટ, ફોટોગ્રાફી, ટ્રાવેલ, મહેમાનગતિ અને મ્યુઝિકલ બૅન્ડ્સની ડિમાન્ડમાં વધારો થયો છે.