સંસારમાં રહેવા છતાં સંન્યસ્ત જીવન જીવ્યાં

19 July, 2025 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમ્બિવલીનાં બીજલ મોતાને એટલે જ અપાઈ પાલખીમાં અંતિમ વિદાય

સાંસારિક બીજલ મોતાની સાધ્વીજીને જેમ પાલખી કાઢવામાં આવી હતી.

ડોમ્બિવલી-ઈસ્ટમાં રહેતાં ૩૨ વર્ષનાં બીજલ મોતા તેમની જન્મજાત શારીરિક અવસ્થાને કારણે દીક્ષાના બધા જ નિયમ પાળી શકે એમ ન હોવાથી દીક્ષા લેવાના ભાવ હોવા છતાં દીક્ષા લઈ શક્યાં નહોતાં. એમ છતાં સંસારમાં રહીને પણ સંન્યસ્ત જેવું જ જીવન જીવતાં બીજલ મોતાનું ગઈ કાલે સવારે અવસાન થતાં તેમને સાધ્વીજીની જેમ જ પાલખી કાઢીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમની પાલખીયાત્રામાં ૨૦૦ જેટલા જૈનો જોડાયા હતા.

બીજલ મોતાને ૯ જુલાઈએ ઊલટી થઈ હતી. એ સમયે ઊલટીનો કેટલોક પદાર્થ તેમની શ્વાસનળીમાં જતો રહેતાં કૉમ્પ્લિકેશન્સ થયાં હતાં. ત્યાર બાદ તેમને માહિમની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. ગઈ કાલે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.  

કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિનાં બીજલ મોતાને જન્મથી જ મસ્ક્યુલર ડિસ્ટ્રૉફી એટલે કે સ્નાયુઓને લગતી બીમારી હતી. તેમનો ઝુકાવ નાનપણથી જ ધર્મ તરફ હતો એમ જણાવતાં તેમનાં ફોઈ રસીલા વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધર્મમાં અનહદ શ્રદ્ધા ધરાવતી બીજલ તેની શારીરિક તકલીફને કારણે દીક્ષા નહોતી લઈ શકી, પણ તે અર્ધદી​િક્ષત તો કહી જ શકાય. ધર્મનો ઊંડો અભ્યાસ, અનેક તીર્થની યાત્રા અને અનેક નિયમોનું પાલન કરીને તેણે સાંસારિક જીવનમાં પણ સંયમનો માર્ગ અપનાવ્યો હતો. દાદા-દાદી લક્ષ્મીબહેન હેમરાજ ગણશી મોતા સાથે વ્હીલચૅરમાં તેણે અનેક યાત્રાઓ કરી હતી, પાલિતાણાની યાત્રા ડોલીમાં કરી હતી. પંડિત મહારાજનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ તેમનાથી પ્રભાવિત થઈને શારીરિક મુશ્કેલીઓને ન ગણકારતાં તેમનાં વ્યાખ્યાનો સાંભળવા તે જતી હતી.’

નાનપણથી જ બીજલને જૈનિઝમની માહિતી આપીને તેને ધર્મ સમજાવનાર તેના શિક્ષક વિરલ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીક્ષા લઈ શકે એમ ન હોવાથી બીજલ મોતાએ વર્ષોથી સામાયિક, પ્રતિક્રમણની આરાધના, આજીવન ચોવિહાર, નૌકારશી, જૈન ધર્મમાં ખાવા-પીવાની બાબતના જે નિયમો હોય એનું પાલન, અવસરે-અવસરે ઉપવાસ, એકાસણાં એ સર્વનું ચુસ્તપણે પાલન કર્યું હતું. તે વ્યાખ્યાન ખૂબ સાંભળતાં. તેમનાં માતા-પિતા લતાબહેન અને નીતિનભાઈ તેમની બધી જ સાંસારિક માગણીઓ પૂરી કરવા, મોજમજા કરાવવા પૂરી રીતે સક્ષમ હતાં છતાં તેમણે એ બધું ન કરીને સંયમના રસ્તે ચાલીને ધર્મની આરાધના કરી હતી. એટલું જ નહીં, તેઓ ઊંડાણમાં ધર્મને સમજવા ઉત્સુક રહેતાં. એથી તેઓ વધારે ને વધારે વ્યાખ્યાન સાંભળવા જતાં, જેથી ધર્મના તત્ત્વને સમજી શકાય. સામાન્ય વ્યક્તિમાં ધર્મની જે આરાધના કે ભાવ હોય એના કરતાં આટલી વિપરીત પરિસ્થિતિમાં પણ ધર્મ પ્રત્યે આટલો લગાવ જવલ્લે જ જોવા મળે. જૈન ધર્મમાં એવી માન્યતા છે કે જેણે પોતાનું ધાર્મિક જીવન ખૂબ સારું જીવ્યું હોય, બહુ મોટી તપશ્ચર્યા કરી હોય તેને દેવનો ભાવ મળે, તેનો સ્વર્ગવાસ થાય ત્યારે તેને જય જય નંદા, જય જય ભદ્રા સાથે સ્વર્ગમાં વેલકમ કરવામાં આવે. તેમનું જીવન હવે આનંદનું કારણ બન્યું છે. એથી બીજલને પણ એ જ રીતે વિદાય આપવામાં આવી. ધાર્મિક ઝોક ધરાવતા હોવા છતાં તે અન્ય બાબતોમાં પણ શાર્પ હતાં. ફૅમિલી સાથે લાંબી યાત્રાએ જવું હોય તો એનું પર્ફેક્ટ આયોજન તે જ કરતાં. કમ્પ્યુટર પર બધું જ ઍડ્વાન્સ બુકિંગ, ટ્રાવેલ-પ્લાન એ બધું તેઓ જ કરતાં. એમ છતાં ધર્મપરાયણતા જ તેમના જીવનમાં ફર્સ્ટ પ્રેફરન્સ બની રહી.’  

dombivli jain community gujaratis of mumbai gujarati community news news mumbai mumbai news