આતંકવાદીના ખાતામાંથી તમારા અકાઉન્ટમાં પૈસા આવ્યા છે, ટેરરિસ્ટો તમારા પર અટૅક કરીને તમને કિડનૅપ કરી શકે છે

02 December, 2025 06:07 AM IST  |  Mumbai | Mehul Jethva

કાંદિવલીના ૮૨ વર્ષના ગુજરાતીને આ રીતે ધમકાવીને પાંચ લાખ રૂપિયા પડાવી લીધા ગઠિયાઓએ

પ્રતીકાત્મક તસવીર

આતંકવાદીના ખાતામાંથી તમારા અકાઉન્ટમાં પૈસા આવ્યા છે, ટેરરિસ્ટો તમારા પર અટૅક કરીને તમને કિડનૅપ કરી શકે છે, દર એક કલાકે અમને WE ARE SAFEનો મેસેજ મોકલતા રહો

કાંદિવલીના ૮૨ વર્ષના ગુજરાતીને આ રીતે ધમકાવીને પાંચ લાખ રૂપિયા પડાવી લીધા ગઠિયાઓએ, બીજા ૧૦ લાખ રૂપિયા માગ્યા એટલે સિનિયર સિટિઝનને શંકા ગઈ અને છેતરપિંડી થઈ હોવાનો તેમને અહેસાસ થયો

આતંકવાદીના બૅન્ક-ખાતામાંથી તમારા બૅન્ક-ખાતામાં પૈસા આવ્યા છે, આતંકવાદીઓ પુરાવા નષ્ટ કરવા માટે તમારા પર હુમલો કરીને તમને કિડનૅપ પણ કરી શકે છે એમ કહીને, ધમકાવીને કાંદિવલી-વેસ્ટના નેહરુ ક્રૉસ રોડના એક બિલ્ડિંગમાં રહેતા ૮૨ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝન પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે કાંદિવલી પોલીસે રવિવારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સતત આતંકવાદીઓ તમારા પર વૉચ રાખી રહ્યા છે એટલે દર કલાકે તમે સેફ છો એની સામેથી જાણકારી આપવા માટે વૉટ્સઍપ પર WE ARE SAFEનો મેસેજ કરવો પડશે એમ કહેવામાં આવ્યું હતું. એકાએક આવેલા ફોનથી સિનિયર સિટિઝને શરૂઆતમાં જાતે બૅન્કમાં જઈને સાઇબર ગઠિયાના બૅન્ક-ખાતામાં પાંચ લાખ રૂપિયા મોકલી દીધા હતા. જોકે પછીથી બીજા ૧૦ લાખ રૂપિયા માગવામાં આવતાં સિનિયર સિટિઝનને શંકા ગઈ એટલે સંબંધીઓને જાણ કરતાં છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો હતો.

શું હતો ઘટનાક્રમ?
કાંદિવલી-વેસ્ટના નેહરુ ક્રૉસ રોડની એક સોસાયટીમાં રહેતા નિવૃત્ત સિનિયર સિટિઝનને ૧૧ નવેમ્બરે બપોરે અંધેરી પોલીસ-સ્ટેશનના અધિકારી હોવાનો દાવો કરીને એક વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે ‘અમે અમુક આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી તમારું આધાર કાર્ડ અને બીજા દસ્તાવેજ મળ્યાં છે. એ ઉપરાંત તમારા બૅન્ક-ખાતામાં તેણે તાજેતરમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આગળની તપાસ માટે લખનઉ ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) તમારી તપાસ કરવા આવી રહી છે.’

આશરે એક કલાક બાદ લખનઉ ATSના અધિકારી ચંદ્રકાંત સિંહના નામે ઓળખ આપીને સિનિયર સિટિઝનને ફરી ફોન કરીને આતંકવાદની કલમ હેઠળ નોંધાયેલા કેસની માહિતી આપવામાં આવી હતી અને Signal નામની ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને એના પર વધુ વાત કરવાનું કહેવામાં આવ્યું હતું.

આતંકવાદીઓ તમારા પર હુમલો કરી શકે છે, પુરાવા નષ્ટ કરવા તેઓ તમને કિડનૅપ પણ કરી શકે છે એમ Signal ઍપ્લિકેશન પર દાવો કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, અમારી ટીમ તમારા સુધી પહોંચે એ પહેલાં તમે સેફ છો એ જણાવવા દર એક કલાકે WE ARE SAFEનો મેસેજ કરતા રહો એવું કહેવામાં આવ્યું હતું.

આ દરમ્યાન વાતોમાં ભોળવીને સિનિયર સિટિઝન પાસે પાંચ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ ઘટનામાં ગભરાઈ ગયેલા સિનિયર સિટિઝને ૨૪ નવેમ્બરે બૅન્કમાં જઈને સાઇબર ગઠિયાઓના બૅન્ક-ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા.

 પછીથી બીજા ૧૦ લાખ રૂપિયાની માગણી કરવામાં આવતાં સિનિયર સિટિઝનને શંકા ગઈ એટલે તેમણે નજીકના સંબંધીને જાણ કરતાં છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે કાંદિવલી પોલીસે સિનિયર સિટિઝને જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા એની માહિતી કઢાવવાની શરૂઆત કરી છે. એ ઉપરાંત જે નંબર પરથી ફોન આવ્યો હતો એની માહિતી કઢાવવામાં આવી રહી છે.

mumbai news mumbai cyber crime mumbai police kandivli maharashtra news maharashtra Crime News mumbai crime news