23 November, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હોર્ડિંગ્સ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બુધવારે મતદાન થયા બાદ રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ફરી સરકાર બનાવશે કે વિરોધી પક્ષોનું સંગઠન મહા વિકાસ આઘાડી સત્તા મેળવશે એની અટકળો લગાવવામાં આવી રહી છે. બુધવારે મતદાન પૂરું થયા બાદ સરેરાશ એક્ઝિટ પોલમાં રાજ્યની કુલ ૨૮૮ બેઠકમાંથી મહાયુતિને ૧૧૨ અને મહા વિકાસ આઘાડીને ૧૦૪ બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ૧૧ બેઠક પર નાના પક્ષ કે અપક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. બાકીની ૬૧ બેઠકમાં કાંટાની ટક્કર છે એટલે આ બેઠકોમાં જેનો હાથ ઉપર રહેશે એ સત્તા મેળવશે એવું સી-વોટરે કરેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
રાજકીય રીતે મહારાષ્ટ્ર વિદર્ભ, મરાઠવાડા, ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ચિમ મહારાષ્ટ્ર, થાણે-કોંકણ અને મુંબઈ એમ ૬ વિભાગમાં વહેંચાયેલું છે. સર્વેમાં આ વિભાગોમાં કોને કેટલી બેઠક મળશે એનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
વિદર્ભમાં કોને કેટલી બેઠક?
વિદર્ભમાં ૬૨ વિધાનસભા બેઠક છે. આ ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)નો ગઢ ગણાય છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે અહીં મહાયુતિને ૨૩ તો મહાવિકાસ આઘાડીને ૨૩ બેઠક મળી શકે છે, જ્યારે ૧૬ બેઠક પર કાંટાની ટક્કર છે.
મરાઠવાડા કોને કેટલી બેઠક?
મરાઠવાડામાં ૪૭ વિધાનસભા બેઠક છે. અહીં મહાયુતિને ૧૪ અને મહાવિકાસ આઘાડીને ૨૦ બેઠક મળી શકે છે, જ્યારે ૧૩ બેઠક પર કાંટાની ટક્કર છે.
ઉત્તર મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠક?
BJPના ગઢ ઉત્તર મહારાષ્ટ્રમાં ૩૬ વિધાનસભા બેઠક છે. અહીં મહાયુતિને ૧૮ અને મહા વિકાસ આઘાડીને ૮ બેઠક મળી શકે છે, જ્યારે ૮ બેઠક પર કાંટાની ટક્કર છે.
પશ્ચિમ મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠક?
શરદ પવારની પકડ છે એવા પશ્ચિમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૭૦ બેઠક છે. અહીં મહાયુતિને ૨૯ અને મહા વિકાસ આઘાડીને ૩૪ બેઠક મળવાની શક્યતા છે, જ્યારે ૭ બેઠક પર કાંટાની ટક્કર થવાની શક્યતા છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીમાં ભાગલા થયા બાદ જનતા શરદ પવાર અને અજિત પવારમાંથી કોની સાથે જાય છે એના પર સૌની નજર છે.
થાણે-કોંકણમાં કોને કેટલી બેઠક?
શિવસેનાના દબદબાવાળા થાણે અને કોંકણમાં ૩૯ બેઠક છે. અહીં મહાયુતિને ૨૦ અને મહા વિકાસ આઘાડીને ૮ બેઠક તો બે બેઠક અપક્ષને મળવાની શક્યતા છે. બાકીની ૯ બેઠક પર કાંટાની ટક્કર છે.
મુંબઈમાં કોને કેટલી બેઠક મળશે?
મુંબઈમાં પણ શિવસેનાનો દબદબો રહ્યો છે. અહીંની ૩૬ બેઠકમાંથી મહાયુતિને ૧૭ અને મહા વિકાસ આઘાડીને ૧૦ તો અન્યને એક બેઠક મળવાની શક્યતા છે. બાકીની ૮ બેઠક પર કાંટાની ટક્કર છે.