પોણા બે કરોડમાં બનતાં શૌચાલય પર ભડક્યા ધારાસભ્ય, હવે BMC કમિશનર કરશે તપાસ

19 July, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈની અલગ-અલગ જગ્યાએ બનાવવામાં આવતા શૌચાલયને લઈને વિધાનસભામાં ધારાસભ્યોએ જોરદાર હોબાળો કર્યો. ધારાસભ્યોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે આખરે આ શૌચાલયમાં એવું તો શું મટીરિયલ લગાડવામાં આવી રહ્યું છે કે તેની પાછળનો ખર્ચ પોણા બે કરોડ રૂપિયા થઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

મુંબઈની અલગ-અલગ જગ્યાએ બનાવવામાં આવતા શૌચાલયને લઈને વિધાનસભામાં ધારાસભ્યોએ જોરદાર હોબાળો કર્યો. ધારાસભ્યોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે આખરે આ શૌચાલયમાં એવું તો શું મટીરિયલ લગાડવામાં આવી રહ્યું છે કે તેની પાછળનો ખર્ચ પોણા બે કરોડ રૂપિયા થઈ રહ્યો છે. વિધાનસભા અધ્યક્ષે આખા કેસની તપાસ બીએમસી કમિશ્નર પાસેથી કરાવવાનો આદેશ આપવામાં આવ્યું છે.

દક્ષિણ મુંબઈના વિવિધ વિસ્તારોમાં બની રહેલા આકાંક્ષા શૌચાલયોને લઈને વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. ધારાસભ્યોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ શૌચાલયોમાં કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે કે તેની કિંમત 1.5 થી 1.75 કરોડ રૂપિયા થઈ રહી છે. આ અંગે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શહેરના એડિશનલ કમિશનરની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. તેમણે સરકારને પહેલા કામ બંધ કરવાનો અને BMC કમિશનર દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાવવાનો આદેશ આપ્યો. 30 દિવસમાં તપાસ પૂર્ણ કરીને આગામી સત્રમાં રિપોર્ટ રજૂ કરવો જોઈએ.

દરેક શૌચાલય બનાવવા માટે 1.75 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે
ભાજપના ધારાસભ્ય અમિત સાટમે આ મામલે સરકારનું ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે દક્ષિણમાં લાયન ગેટ, ઓવલ મેદાન, ફેશન સ્ટ્રીટ, ખાઉ ગલી, વિધાન ભવન, ડી વોર્ડના વાંગા અને રેતી બંદરમાં આકાંક્ષા શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. દરેક શૌચાલય બનાવવા માટે 1.5 કરોડથી 1.75 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. સાટમે પૂછ્યું કે આ શૌચાલયોમાં કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે આટલો મોટો ખર્ચ થઈ રહ્યો છે.

BMC કમિશનર સમગ્ર મામલાની તપાસ કરશે
મુંબઈ જિલ્લાના પાલક મંત્રી આશિષ શેલારે ફૂટપાથ અને હેરિટેજ ઈમારતો પાસે શૌચાલય બનાવવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. અતુલ ભટખલકરે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કહે છે કે ફૂટપાથ પર સામાન્ય માણસનો પહેલો અધિકાર છે, તો પછી અહીં ફૂટપાથ પર શૌચાલય કેવી રીતે બનાવવામાં આવી રહ્યું છે અને ઘણા ધારાસભ્યોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે કેબિનેટ મંત્રી ઉદય સામંતે કહ્યું કે BMC કમિશનર સમગ્ર મામલાની તપાસ કરશે અને 30 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે. જે કોઈ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનભવન પરિસરમાં ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડળકર અને એનસીપી-એસપી નેતા જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. વાયરલ વીડિયોમાં, બન્ને પક્ષના કાર્યકરો એકબીજાને ગાળો આપતા અને ધક્કો મારતા જોઈ શકાય છે. આવ્હાડે પત્રકારોને કહ્યું હતું કે “આખું મહારાષ્ટ્ર જાણે છે કે હુમલો કરનાર કોણ હતું. દેશે જોયું છે કે હુમલો કોણે કર્યો, છતાં અમારી પાસે પુરાવા માગવામાં આવી રહ્યા છે. મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, અપશબ્દો કહેવામાં આવ્યા હતા. શું હવે વિધાનભવનમાં આ થવાનું બાકી હતું?”

તેમણે વધુમાં કહ્યું કે જો ધારાસભ્યો પોતે વિધાનભવનમાં સુરક્ષિત નથી, તો પછી અમને ધારાસભ્ય બનવાની શું જરૂર છે? ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડળકરે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને માફી માગી. આ દરમિયાન શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જો ગુંડાઓ વિધાનભવનમાં પહોંચી ગયા હોય તો રાજ્યના ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાનએ જવાબદારી લેવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેએ કહ્યું કે આ ઘટના મહારાષ્ટ્રની પરંપરા વિરુદ્ધ છે. દેશભરમાં આપણી વિધાનભવનનું ઉદાહરણ આપવામાં આવે છે. તેમણે તેને 2001માં સંસદ પર થયેલા હુમલા સાથે જોડીને કહ્યું કે મુંબઈ હાઈ એલર્ટ પર છે, આવી સ્થિતિમાં વિધાનભવનની સુરક્ષા સાથે આ પ્રકારની છેડછાડ ગંભીર બાબત છે.

maharashtra news mumbai news vidhan bhavan maharashtra ashish shelar devendra fadnavis uddhav thackeray bmc election mumbai south mumbai