02 December, 2025 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈસ્ટર્ન ફ્રીવે
ઈસ્ટર્ન ફ્રીવેને ચેમ્બુરથી થાણે સુધી લંબાવવાનું કામ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ શરૂ કરી દીધું છે. કુલ ૬ લેનના હાઈ સ્પીડ કૉરિડોરને કારણે સિગ્નલ વગર વાહનો એના પરથી સડસડાટ દોડી શકશે. થાણેથી સાઉથ મુંબઈ ૩૦ મિનિટમાં પહોંચી શકાશે એવું MMRDAએ જણાવ્યું છે. વળી આ ફ્રીવેને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસવે પરનો ટ્રાફિક પણ હળવો થશે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર રોજ લાખો મોટરિસ્ટો પ્રવાસ કરે છે તેમને પણ આનાથી રાહત થશે.
આ ઈસ્ટર્ન ફ્રીવે એક્સ્ટેન્શન મુલુંડ-ઈસ્ટના આનંદનગરથી શરૂ થશે અને છેડાનગર-ચેમ્બુર સુધી જશે. ત્યાંથી એ સાઉથ મુંબઈના પી. ડિમેલો રોડ સુધી જતા મેઇન ફ્રીવે સાથે જોડાઈ જશે. મોટરિસ્ટો સડસડાટ ૩૦ મિનિટમાં થાણેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પહોંચી શકશે. આ એલિવેટેડ ફ્રીવે પર મુલુંડ ચેકનાકા, ઐરોલી ચેકનાકા અને વિક્રોલી જંક્શન પાસે નીચે ઊતરવા-ચડવા માટેની સુવિધા અપાશે.
વળી આ એક્સ્ટેન્શન થાણે તરફ આનંદનગર-સાકેત રોડ બ્રિજ સાથે જોડી દેવામાં આવશે. જ્યારે એનો એક છેડો સમૃદ્ધિ માર્ગ સાથે પણ જોડવામાં આવશે. એટલે લોકોને નીચે ટ્રાફિકમાં અટવાયા વિના સડસડાટ નીકળી જવાનો વિકલ્પ મળશે. આમ ઈંધણની બચત થશે અને લોકોનો સમય પણ બચશે.
આ પ્રોજેક્ટનું કામ કેટલે સુધી પહોંચ્યું છે?
પ્રાથમિક સર્વે પતી ગયો છે.
સિંગલ પિલર-ટેસ્ટ થઈ ગઈ છે.
જિયોટેક્નિકલ ઇન્વેસ્ટિસ્ટગેશન પણ મોટા ભાગનું પતી ગયું છે.
યુટિલિટી આઇડેન્ટિફિકેશનનું ઘણું ખરું કામ પતી ગયું છે.
પિલર ઊભા કરવા માટેનું કામ ચાલી રહ્યું છે.