02 December, 2025 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુલુંડ પોલીસ-સ્ટેશનમાં અને તહસીલદારને ફરિયાદપત્ર આપતા BJPના નેતાઓ.
બંગલાદેશીઓ અને ઘૂસણખોરો પાસેથી મોટી સંખ્યામાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં નકલી જન્મ પ્રમાણપત્ર મળી આવતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ આક્રમક બન્યા છે. આ મુદ્દે BMCના આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તેમ જ નકલી જન્મ પ્રમાણપત્ર માટેની ઍપ્લિકેશન કરનાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી માગણી માટે ગઈ કાલે BJPના નેતા કિરીટ સોમૈયાએ કુર્લા વિભાગના તહસીલદાર અને મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પાસે સત્તાવાર ફરિયાદ દાખલ કરી હતી. એ સમયે વિધાનસભ્ય મિહિર કોટેચા અને ભૂતપૂર્વ સંસદસભ્ય મનોજ કોટક સહિત મોટી સંખ્યામાં BJPના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આવતા ૪૮ કલાકમાં ઍક્શન લઈને ફસ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની માગણી કરવામાં આવી છે.
કુર્લા વિભાગના તહસીલદાર દિલીપ રાયન્નવર અને મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇસ્પેક્ટર અજય જોશીને નકલી જન્મ પ્રમાણપત્રોના મુદ્દે સત્તાવાર ફરિયાદ મોકલી છે એમ જણાવતાં BJPના નેતા કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે ‘BMCના આરોગ્ય વિભાગના અધિકારીઓએ ૨૦૨૪ અને ૨૦૨૫માં ૧૦૦૦થી વધુ બંગલાદેશી નાગરિકોના જન્મનાં પ્રમાણપત્ર માટે તહસીલદાર ઑફિસને NOC આપ્યાં છે જેમની પાસે જન્મ વિશેનો એક પણ પુરાવો નથી. તેમના જન્મ મુંબઈમાં થયા હોવાનો દાવો NOCમાં કરવામાં આવ્યો છે. આ પ્રકારનાં જન્મ પ્રમાણપત્રના ૨૮ પુરાવા મુલુંડ પોલીસ-સ્ટેશનના અધિકારીઓને આપ્યા છે. આ તમામમાં જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે સ્કૂલનું લીવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે જેમાં કાંઈ જ વંચાતું નથી. એ સાથે રૅશનકાર્ડમાં પણ કાંઈ વંચાતું નથી. જાણીજોઈને આ પ્રકારની બ્લૅક પ્રિન્ટ જન્મ પ્રમાણપત્ર માટે આપવામાં આવી છે. આવી ઍપ્લિકેશન કરનાર બંલાદેશીઓની તાત્કાલિક ધરપકડ કરી તેમને વહેલી તકે પાછા બંગલાદેશ મોકલવામાં આવે એવી માગણી અમે કરી છે. એ ઉપરાંત તહસીલદાર પાસે પણ આ પ્રકારના પુરાવા આપીને BMC તરફથી આવતા દસ્તાવેજોને ચકાસવા જણાવ્યું છે.’
૪૮ કલાકમાં FIR નોંધી આરોગ્ય વિભાગના અધિકારી સામે કાર્યવાહી માટેની માગણી
કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે ‘BMCના કમિશનર પાસે ભૂતકાળમાં મેં નકલી જન્મ પ્રમાણપત્ર વિશેની ફરિયાદ કરી કાર્યવાહીની માગણી કરી છે, પણ BMCના આરોગ્ય વિભાગના અધિકારીઓ ભષ્ટાચાર ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું છે. તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. બોગસ દસ્તાવેજો આપીને જન્મ પ્રમાણપત્ર મેળવવા માગતા લોકો સામે ૪૮ કલાકમાં FIR નોંધવામાં આવે એવી માગણી અમે કરી છે.’