Mumbai Police પણ જોડાઈ `ઑરા ફાર્મિંગ`ના આ વાયરલ ટ્રેન્ડમાં, જુઓ વીડિયો

19 July, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં, એક નાનો છોકરો અનોખા અને ઉર્જાવાન રીતે નાચતો જોવા મળે છે. તેની ગતિવિધિઓ, હાવભાવ અને પોઝ એટલા બધા જુદાં અને આકર્ષક છે કે જોનાર એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ જાય છે.

મુંબઈ પોલીસની ફાઈલ તસવીર

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં, એક નાનો છોકરો અનોખા અને ઉર્જાવાન રીતે નાચતો જોવા મળે છે. તેની ગતિવિધિઓ, હાવભાવ અને પોઝ એટલા બધા જુદાં અને આકર્ષક છે કે જોનાર એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ જાય છે. આ નૃત્યને `ઑરા ફાર્મિંગ ડાન્સ` નામ આપવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ ડાન્સ ફક્ત સ્ટેજ પરનું પ્રદર્શન નથી, પણ પરંપરાગત બોટ રેસ દરમિયાન કરવામાં આવતી કળાનું પ્રદર્શન છે.

રાયન ઇન્ડોનેશિયાના રિયાઉ પ્રાંતના એક નાના ગામમાં રહેતો એક છોકરો છે. જ્યાં કોઈ ભભકાદાર સ્ટેજ નથી, કોઈ મોંઘા પોશાક નથી. ફક્ત તેની આત્મવિશ્વાસપૂર્ણ મુદ્રા અને અદ્ભુત શૈલી છે. તે બોટ રેસના અંતે ખૂબ જ શાંત ચહેરા સાથે, કાળા પરંપરાગત ડ્રેસ અને ઘેરા ગોગલ્સ પહેરીને ઉભો રહે છે અને નૃત્ય કરવાનું શરૂ કરે છે. તેના નાના અને હળવા હાથની ગતિવિધિઓ, ચોક્કસ કોરિયોગ્રાફી જેવી અસર અને ચહેરાના એક પણ હાવભાવ બદલ્યા વિના પ્રસ્તુતિએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા.

`પાકુ જાલુર` બોટ રેસ - પરંપરામાંથી જન્મેલી એક કળા
રાયન જે કાર્યક્રમમાં નાચતો હતો તે `પાકુ જાલુર` નામની પરંપરાગત બોટ રેસ હતી. આ રેસ ઇન્ડોનેશિયામાં સદીઓ જૂની પરંપરા માનવામાં આવે છે. ઘણા ખેલાડીઓ લાકડાની લાંબી હોડીઓમાં બેસીને પાણી પર હોડ લગાવે છે, અને આ રેસમાં, એક ખાસ કલાકાર `ટોગક લુઆન`ની ભૂમિકા ભજવે છે. તે હોડીની આગળ ઉભો રહે છે, વિવિધ ક્રિયાઓ કરીને તે ટીમને પ્રોત્સાહિત કરે છે, અને સાથે પ્રેક્ષકોનું મનોરંજન પણ કરે છે.

હાલમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો ડાન્સ ટ્રેન્ડ ઑરા ફાર્મિંગ આખા વિશ્વમાં વાયરલ થઈ રહ્યો છે. આ અનોખા ડાન્સે બધાનું ધ્યાન ખેંચ્યું છે, હવે મુંબઈ પોલીસે પણ આ ટ્રેન્ડમાં ભાગ લીધો છે. તેમણે નાના રાયનની જેમ ડાન્સ કરતો એક અનોખો વીડિયો (Video) રજૂ કર્યો છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો છે અને અપલોડ થયાના થોડા કલાકોમાં જ આ વીડિયો ખૂબ લોકપ્રિય થઈ ગયો છે. મુંબઈ પોલીસના આ અનોખા વિચારને નેટીઝન્સ દ્વારા ખૂબ પ્રશંસા મળી છે, હજારો લાઈક્સ અને લાખો વ્યૂઝ મળ્યા છે. લોકોએ આ સર્જનાત્મક સંસ્કરણની ખૂબ પ્રશંસા કરી છે.

નોંધનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે મુંબઈ પોલીસ કોઈ વાયરલ ટ્રેન્ડમાં જોડાઈ હોય, આ પહેલા પણ મુંબઈ પોલીસ અનેક વાર લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક પ્રકારના મીમ્સ પણ બનાવે છે અને શક્ય હોય તો રીતે ગંભીર વિષયને પણ હળવાશથી રજૂ કરવાનો પ્રયત્ન કરતી હોય છે.

mumbai news mumbai police social media viral videos video videos