09 December, 2025 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો : આશિષ રાજે
ચોથી ડિસેમ્બરના નેવી ડેના અનુસંધાનમાં ગઈ કાલથી ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે બીટિંગ રીટ્રીટ અને ટૅટૂ સેરેમનીની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસીય સેરેમનીમાં ઇન્ડિયન નેવી શિસ્ત અને શક્તિનું પ્રદર્શન કરશે. સોમવારે સાંજે ચેતક અને સીહૉક હેલિકૉપ્ટર દ્વારા બચાવ કામગીરી અને યુદ્ધ માટેની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. મરીન કમાન્ડો (MARCOS)ના દિલધડક પ્રદર્શનથી લોકો અચંબિત થયા હતા તો નેવી ડ્રિલ્સ, સેઇલર્સના પરંપરાગત હૉર્નપાઇપ ડાન્સ અને ઇન્ડિયન નેવલ સેન્ટ્રલ બૅન્ડ શોને દર્શકોએ ખૂબ ઉત્સાહથી માણ્યાં હતાં. ૧૦ ડિસેમ્બરે મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપશે.
નાશિકના ઍક્સિડન્ટમાં જીવ ગુમાવનારના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાની સહાય
રવિવારે નાશિક જિલ્લામાં સપ્તશ્રૃંગી ગઢ પર થયેલા અકસ્માતમાં ૬ શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતની ઘટના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલ લોકો ઝડપથી સાજા થાય એ માટે પ્રાર્થના કરી હતી. એ ઉપરાંત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃત્યુ પામનાર લોકોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.