02 December, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિઠ્ઠલવાડી સ્ટેશને એક બાળકીએ જોરથી રડીને તેનું અને તેનાં ભાઈ-બહેનનું અપહરણ કરનારનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને સતર્ક પ્રવાસીઓએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને બાળકોને ઉગારી લીધાં હતાં.
GRPના એક અધિકારીએ કહ્યું હતું કે ‘૨૯ નવેમ્બરે વિઠ્ઠલવાડી સ્ટેશનના પ્લૅટફૉર્મ પર બાળકોને એકલાં જોઈને આરોપી સૂરજકુમાર ગુપ્તાએ બાળકોને ચૉકલેટ આપીને લલચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકોની મમ્મી ઘરકામ કરે છે. તે સાતથી દસ વર્ષની બે દીકરીઓ અને એક દીકરાને થોડા સમય માટે રેલવે-સ્ટેશન પર છોડીને શાંતિનગર વિસ્તારમાં તેના પતિને જમવાનું આપવા ગઈ હતી. એ દરમ્યાન આરોપીએ બાળકો પાસે જઈને તેમને લલચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક બાળકી જોરથી રડવા માંડી હતી.
અસામાન્ય રીતે જોરથી રડનારી બાળકી તરફ મુસાફરોનું ધ્યાન ગયું અને તેમણે પરિસ્થિતિની ગંભીરતા જાણીને આરોપીને પકડ્યો હતો. જોકે આરોપીએ બાળકોને પોતાનાં છે કહીને તેમને છોડવાનો ઇનકાર કર્યો ત્યારે બાળકોએ આરોપી તેમને બળજબરીથી લઈ જઈ રહ્યો હોવાનું કહ્યું હતું. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ આરોપીને ફટકાર્યો હતો અને તેને વિઠ્ઠલવાડી રેલવે-પોલીસને સોંપી દીધો. પોલીસે બાળકોને પરિવારને સોંપી દઈને આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.