કોલ્હાપુરથી શૂટિંગ માટે આવેલી ૧૧ વર્ષની બાળકી બયાન કરે છે આપવીતી

01 November, 2025 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પવઈના રા સ્ટુડિયોમાં એક્ઝૅક્ટ્લી શું બન્યું હતું? કોલ્હાપુરથી શૂટિંગ માટે આવેલી ૧૧ વર્ષની બાળકી બયાન કરે છે આપવીતી

કોલ્હાપુરથી શૂટિંગ માટે આવેલી ૧૧ વર્ષની બાળકી બયાન કરે છે આપવીતી

કેટલીક મરાઠી સિરિયલોમાં ભૂમિકા ભજવનાર ૧૧ વર્ષની બાળકી વૉટ્સઍપ ગ્રુપ પર આવેલી જાહેરાત જોઈને તેનાં માતા-પિતા અને નાની સાથે મુંબઈ આવી પહોંચી હતી. જોકે અહીં પવઈના રા સ્ટુડિયોમાં થયેલો અનુભવ તે‌ઓ જિંદગીભર ભૂલે નહીં એવો રહ્યો હતો. 

એ દિવસે અન્ય બાળકો સાથે એ જગ્યાએ હાજર બાળકીએ ત્યાં શું બન્યું હતું એ જણાવતાં કહ્યું હતું કે ‘અમારે પાંચ જ દિવસ શૂટિંગ કરવાનું હતું, પણ રોહિત આર્યએ અમને બધાં બાળકોને ત્રણ ટીમમાં વહેંચી નાખ્યાં હતાં. તેમણે બીજાં કેટલાંક બાળકોને ઘરે મોકલાવી દીધાં હતાં અને અમને ગુરુવારે પણ શૂટ માટે બોલાવ્યાં હતાં. તે હંમેશા અમારી સાથે ફ્રેન્ડ્લી રહેતા હતા. તેમની પાસે ગન હતી. અમે બધાએ નાસ્તો કર્યો હતો અને પહેલા માળની રૂમમાં સેટ થયાં હતાં. પહેલાં તો એ રૂમનો દરવાજો ખુલ્લો હતો, પણ પછી બંધ કરી દેવાયો. થોડી વાર એમનેમ વીતી ગયા બાદ અમારામાંના કેટલાકે કહ્યું કે તેમને વૉશરૂમ જવાનું છે એટલે દરવાજો ખોલો. ત્યારે તેમના તરફથી કહેવામાં આવ્યું કે શૂટિંગ થવાનું છે થોડી વાર થોભી જાઓ. એ પછી થોડી વારમાં બહારથી અમારા પેરન્ટ્સના રડવાનો અવાજ આવી રહ્યો હતો. એ વખતે અમે પૂછ્યું તો કહેવામાં આવ્યું કે અમારા પેરન્ટ્સ અમને લેવા આવશે, ચિંતા ન કરો. આખરે દરવાજો ખૂલતાં મારી નાની અંદર આવી.’ 

બાળકીનાં ૭૫ વર્ષનાં નાની મંગલ પાટણકરને બહારની ગરમી સહન થતી નહોતી એટલે તેઓ દર વખતે શૂટિંગના રૂમમાં બાળકો સાથે બેસતાં, જ્યારે બાળકો સાથે આવેલા બીજા વાલીઓને નીચે બેસાડવામાં આવતા હતા. મંગલ પાટણકરે પોતાની દીકરીને ફોન કરીને કહ્યું કે અહીં બધું બરોબર છે. એ પછી તેમને બીજા રૂમમાં જઈને બેસવાનું કહ્યું અને બાળકો પર નજર રાખવાનું કહ્યું એમ જણાવતાં બાળકીએ વધુમાં કહ્યું હતું કે ‘એ પછી રોહિત બધાં બાળકોને એક પછી એક તેમના વાલીઓને ફોન કરવા કહેતા હતા અને મને લાગે છે તે પૈસા માગી રહ્યા હતા. જોકે મારો વારો હજી આવ્યો નહોતો. એ પછી રોહિત આર્ય ત્રણ-ચાર છોકરાને નીચે લઈ જઈ રહ્યા હતા. મારી નાનીએ મને રોકી રાખી એટલે હું તેમની સાથે નીચે નહોતી ગઈ. જ્યારે પણ રોહિત આર્ય આવીને બા‍ળકોને લઈ જતા હતા ત્યારે જતી વખતે દરવાજો બંધ કરીને જતા હતા. થોડી વાર પછી પોલીસ અમારા રૂમનો દરવાજો તોડીને અંદર આવી. એ વખતે એ દરવાજો મારાં નાની પર પડ્યો હતો અને તેમને લાગ્યું હતું. એ પછી ખબર પડી કે નીચે આવું બધું બની ગયું હતું.’

રોહિત આર્યના કામકાજની બધી વિગતો કઢાવી રહી છે રાજ્ય સરકાર

પવઈના મહાવીર ક્લાસિક બિલ્ડિંગમાં આવેલા રા સ્ટુડિયોમાં રોહિત આર્યએ ગુરુવારે ૧૭ બાળકો અને પુખ્ત વયની બે વ્યક્તિને બંધક બનાવ્યાં હતાં. પોલીસ દ્વારા રેસ્ક્યુ ઑપરેશન કરીને એ બાળકો સહિત બધાને જ બચાવી લેવાયાં હતાં. પોલીસે રોહિતનું એન્કાઉન્ટર કરીને તેનો ખાતમો કર્યો હતો. રોહિત આર્યનું કહેવું હતું કે તેના ઘણાબધા પૈસા રાજ્ય સરકાર પાસે લેવાના નીકળતા હતા, પણ તેમણે એ ન આપતાં તેણે આ બાળકોને હૉસ્ટેજ બનાવવાનો પ્લાન બનાવ્યો હતો. હવે રાજ્યના એજ્યુકેશન મિનિસ્ટર દાદા ભુસેએ રોહિત આર્યએ કેટલા પૈસા લેવાના નીકળતા હતા એની ડીટેલ ડિપાર્ટમેન્ટ પાસે મગાવી છે. 

દાદા ભુસેએ આ વિશે વાત કરતાં પત્રકારોને કહ્યું હતું કે ‘રોહિત આર્ય તેની કંપની અપ્સરા એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક દ્વારા સ્વચ્છતા મૉનિટર અભિયાન ચલાવતો હતો. એ માટે તેણે સ્કૂલો પાસેથી પૈસા લીધા હતા. તેણે સ્કૂલનાં બાળકો પાસેથી એક વેબસાઇટ મારફત પૈસા લીધા હતા અને ડિપાર્ટમેન્ટે એ સામે વિરોધ નોંધાવ્યો હતો અને તેની સામે ઍક્શન પણ લીધી હતી. અમે હવે રોહિત આર્યએ કરેલા કામની બધી જ વિગતો ડિપાર્ટમેન્ટને આપવા જણાવ્યું છે.’

ઘટનાના દિવસે ભૂતપૂર્વ એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકરે કહ્યું હતું કે ‘રોહિત આર્યનો ‘સ્વચ્છતા મૉનિટર’ નામનો કૉન્સેપ્ટ હતો અને ‘માઝી શાળા, સુંદર શાળા’ અભિયાનનું પણ કેટલુંક કામ તેને સોંપવામા આવ્યું હતું. તેણે સ્કૂલ પાસેથી ડાયરેક્ટ પૈસા લીધા હોવાની જાણ થઈ હતી. સરકારી કામનું પેમેન્ટ કરવાની એક ખાસ પદ્ધતિ હોય છે અને એને આધીન રહીને જ એ કામ કરવું પડે છે. મેં તેને વ્યક્તિગત રીતે ચેક આપીને પણ મદદ કરી હતી.’

mumbai news mumbai powai Crime News mumbai crime news brihanmumbai municipal corporation