19 July, 2025 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
થોડા વખત પહેલાં મીરા રોડના દુકાનદારે મરાઠીમાં બોલવાની ના પાડતાં ભડકેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ તેની મારઝૂડ કરી હતી અને એનો વિડિયો વાઇરલ થયો હતો. ત્યાર બાદ વેપારીઓએ એના વિરોધમાં મોરચો કાઢ્યો હતો અને વેપારીઓના મોરચાના વિરોધમાં MNSએ જંગી મોરચો કાઢ્યો હતો. એના અનુસંધાનમાં ગઈ કાલે મીરા રોડમાં MNSના વડા રાજ ઠાકરેની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં MNSના સમર્થકોએ એ સભામાં હાજરી આપી હતી.
રાજ ઠાકરેનું જંગી મેદનીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. JCBમાં ફૂલો ગોઠવીને એના દ્વારા તેમની કાર પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. ઢોલ-તાશા અને તુતારીની ગર્જનાઓ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ ઠાકરેએ પહેલાં MNSની શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાર બાદ હજારોની મેદનીને સંબોધી હતી.
રાજ ઠાકરે પર JCBથી પુષ્પવર્ષા થઈ હતી
રાજ ઠાકરેએ શું કહ્યું?
જો કાનમાં જતી મરાઠી નહીં સમજાય તો કાનની નીચે મરાઠી પડશે. તે માણસની ઉદ્ધતાઈને કારણે તેને કાનની નીચે પડી.
કોઈ રાજકીય પાર્ટીના કહેવામાં આવીને વેપારીઓએ બંધ કર્યો, પણ જો અમે કંઈ લઈશું તો જ તમારો વેપાર થશેને?
મહારાષ્ટ્રમાં પહેલીથી પાંચમી સુધી હિન્દી લાવવાનો ફક્ત પ્રયાસ કરી જુઓ, સ્કૂલો જ બંધ કરી દઈશું.
આ મુંબઈ મહારાષ્ટ્રને મળે નહીં એવો કારસો હતો. વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને આપતા નહીં. મોરારજી દેસાઈએ મરાઠી લોકો પર ગોળીઓ ચલાવી હતી.
પહેલાં હિન્દી ભાષા લાવવી એ પહેલું પગલું હશે. એ પછી જો વિરોધ ન થાય તો ધીમે-ધીમે મુંબઈ ગુજરાતમાં ભેળવવું એ તેમનો મનસૂબો છે.
જો ભાષા ગઈ તો તમારી આઇડેન્ટિટી જ ખોઈ બેસશો, તમને કોઈ નહીં પૂછે.
મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપ્યો, પણ એ પછી એના માટે એક પણ રૂપિયો કેન્દ્રમાંથી આવ્યો નથી.
મરાઠી ભાષા હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે, જ્યારે હિન્દીને માત્ર ૨૦૦ જ વર્ષ થયાં છે.
અભિજાત ભાષાનો દરજ્જો મેળવવા ભાષા ૧૪૦૦ વર્ષ જૂની હોવી જોઈએ. આમ જોવા જઈએ તો હિન્દીને અભિજાત ભાષા બનવા હજી ૧૨૦૦ વર્ષનો સમય બાકી છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં હિન્દી ભાષા બોલાય છે તો તમે તમારા રાજ્યનો વિકાસ કેમ ન કર્યો? અહીં શું કામ નોકરી-ધંધો કરવા આવો છો?
ગુજરાતમાંથી હિન્દીભાષીઓને ભગાડવામાં આવે છે એ સમાચાર ક્યાંય જોવા મળતા નથી.
હિન્દી ફિલ્મોને કારણે અભિનેતા અને અભિનેત્રીઓનું ભલું થયું, બીજા કોનું ભલું થયું?
તમારી સત્તા લોકસભામાં અને વિધાનસભામાં હશે, અમારી સત્તા રસ્તા પર છે. આ મહારાષ્ટ્ર છે, તમારા બાપનું મહારાષ્ટ્ર છે. જો કોઈ વાંકુંચૂકું બોલ્યું તો MNSના સૈનિકના હાથ અને સામેવાળાના ગાલની યુતિ થઈને જ રહેશે.
અમે હિન્દુ છીએ, હિન્દી નહીં. જો હિન્દુત્વના બુરખા હેઠળ અમારી મરાઠીને ખલાસ કરવા માગશો તો મારા જેવો કટ્ટર મરાઠી ક્યાંય જોવા નહીં મળે. હાથ લગાવીને જુઓ.
મહારાષ્ટ્રના અન્ય નેતાઓ કરતાં મારું હિન્દી સારું છે.
હિન્દી કંઈ ખરાબ ભાષા નથી, પણ જો અમારા પર લાદવાનો પ્રયાસ કરશો તો નથી બોલવી.
તેઓ મરાઠીને હટાવવા અમરાઠી લોકોને વસાવી રહ્યા છે જે તેમના મતદારો છે. પહેલાં નગરસેવક, પછી વિધાનસભ્ય, સંસદસભ્ય એમ બનાવીને તેઓ વિસ્તરશે અને ત્યાર બાદ આ આખા પટ્ટાને મુંબઈ સહિત ગુજરાતમાં ભેળવી દેશે.
દેવેન્દ્ર ફડણવીસને પણ લીધા નિશાના પર : જો રાજ્ય સરકારને આત્મહત્યા કરવી હોય તો બેશક કરે
દેવેન્દ્ર ફડણવીસને નિશાના પર લેતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘ત્રીજી ભાષા તરીકે અમે હિન્દીને ફરજિયાત કરીશું એટલે કરીશું જ. હવે રાજ્ય સરકારે આત્મહત્યા કરવી જ હોય તો બેશક કરે. અમે મીરા રોડમાં જે મોરચો કાઢ્યો હતો એનાથી ડરી જઈને જ તેમણે હિન્દીની સખતાઇનો નિર્ણય પાછો લેવો પડ્યો હતો. ફડણવીસજી, ત્રીજી ભાષા ફરજિયાત લાવશે એટલે લાવશે જ. અમારી ખુલ્લી ચૅલેન્જ છે. પહેલીથી પાંચમી હિન્દી લાવો નહીં, ફક્ત એ લાવવાનો પ્રયાસ કરી જુઓ. દુકાનો જ નહીં, સ્કૂલો પણ બંધ કરાવી દઈશું.’
સૌથી પહેલાં તો સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવા જણાવ્યું હતું : રાજ ઠાકરે
રાજ ઠાકરેએ સભામાં કહ્યું હતું કે ‘આચાર્ય અત્રેનું પુસ્તક મેં વાંચ્યું હતું જેમાં તેમણે કહ્યું છે કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવામાં આવે એમ સૌથી પહેલાં વલ્લભભાઈ પટેલે કહ્યું હતું. આપણે જેમને લોહપુરુષ કહીએ છીએ એવા એ સમયના દેશના ગૃહપ્રધાને કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપતા. જે વખતે મુંબઈ માટે મહારાષ્ટ્રમાં આંદોલન થયું ત્યારે મોરારજી દેસાઈએ લોકો પર ગોળીઓ ચલાવી તેમને ઠાર માર્યા હતા. અનેક વર્ષોથી તેઓ મુંબઈને મહારાષ્ટ્રથી છૂટું પાડવા માગે છે.’
નિશિકાંત દુબેને પડકાર : મુંબઈમાં આવે, દરિયામાં ડૂબે ડૂબે કે મારેંગે
મીરા રોડના દુકાનવાળા પર હુમલા કર્યાની પ્રતિક્રિયા આપતાં બિહારના સંસદસભ્ય નિશિકાંત દુબેએ કહ્યું હતું કે તમે અહીં બિહારમાં - ઉત્તર પ્રદેશમાં આવો, તમને પટકી-પટકીને મારીશું. એનો જવાબ આપતાં રાજ ઠાકરેએ કાલે તેમના ભાષણમાં કહ્યું હતું કે તમે મુંબઈ આવો, તમને મુંબઈના દરિયામાં ડૂબે ડૂબે કે મારેંગે.