સુરત-બાંદરા ઇન્ટરસિટી ટ્રેનના AC કોચમાં કોઈએ સીટ બાળી નાખી

02 December, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧.૧૦ લાખ રૂપિયાની કિંમતની સીટ હોવાનો રેલવેનો દાવો : GRPએ ફરિયાદ નોંધી, પણ કારસ્તાન કોનું છે એની ખબર નથી પડતી

કોઈક પ્રવાસીએ સીટ બાળી નાખી હતી

વેસ્ટર્ન રેલવેમાં સુરત-બાંદરા ઇન્ટરસિટી એક્સપ્રેસના ઍર-કન્ડિશન્ડ (AC) કોચમાં કોઈક પ્રવાસીએ સીટ બાળી નાખી હતી. આ મામલે રવિવારે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ સીટને આગ લગાડનાર સામે રેલવે-પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડવા બદલ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રવાસીને ઓળખવા માટે GRPએ RPFની મદદ લઈને સુરતથી બાંદરા સુધીનાં તમામ રેલવે-સ્ટેશનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી રહી છે. વેસ્ટર્ન રેલવેના સિનિયર અધિકારીએ નોંધાવેલી ફરિયાદમાં અજાણ્યા પ્રવાસીએ આશરે ૧.૧૦ લાખ રૂપિયાની કિંમતની સીટ બાળી નાખી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

બાંદરા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સહાજી નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ સુરતથી બાંદરા આવેલી ઇન્ટરસિટી ટ્રેનની આંતરિક તપાસ કરી રહ્યા હતા ત્યારે C2 કોચની ૧૩ નંબરની સીટ બળતી જોવા મળી હતી. તાત્કાલિક બીજા અધિકારીની મદદ લઈ આગ ઓલવી નાખવામાં આવી હતી જેને કારણે બીજી સીટ બળતાં બચી ગઈ હતી. એ પછી ઘટનાની જાણ RPF અને અમારી ટીમને કરવામાં આવતાં અમે એ સમયે બાંદરા રેલવે સ્ટેશન પર C2 કોચમાંથી ઊતરેલા બધા પ્રવાસીઓની માહિતી કઢાવી તપાસ શરૂ કરી હતી. જોકે આગ કોણે લગાડી એ વિશેની જાણકારી મળી નહોતી. અંતે ઘટનાને ગંભીરતાથી લેતાં સીટને આગ લગાડનાર સામે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ ફરિયાદ નોંધી હતી. આ મામલે આગ લગાડનારને શોધવા માટે વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેમ જ એ સમયે C2 કોચમાં પ્રવાસ કરનાર તમામ પ્રવાસીઓની માહિતી કઢાવીને તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. સુરતથી બાંદરા સુધીનાં તમામ રેલવે-સ્ટેશનના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે.’

mumbai news mumbai western railway indian railways Crime News