મુલુંડમાં ગુજરાતી વૃદ્ધને ધમકાવીને, મારીને અઢી લાખ રૂપિયાના દાગીના તફડાવનારા પકડાઈ ગયા

07 December, 2025 06:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે CCTV કૅમેરાના ફુટેજના આધારે તપાસ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી

પોલીસે ધરપકડ કરેલા ત્રણે આરોપીઓ.

મુલુંડ-વેસ્ટના એન. એસ. રોડ પર અતિથિ હોટેલની બહાર ૭૧ વર્ષના કિરીટ શાહને બુધવારે બપોરે પોલીસ હોવાનો દાવો કરીને અને  મારઝૂડ કરીને આશરે અઢી લાખ રૂપિયાના દાગીના તફડાવી જનારા ૩ આરોપીની મુલુંડ પોલીસે ધરપકડ કરી છે. મુલુંડના તાંબેનગરમાં મીરા ગોવિંદ સોસાયટીમાં રહેતા કિરીટભાઈ ગુરુવારે સવારે સ્ટેશન નજીક અતિથિ હોટેલની સામે આવેલા પબ્લિક ટૉઇલેટમાંથી બહાર આવ્યા ત્યારે પોલીસ હોવાનો દાવો કરીને ૩ આરોપીઓએ તેમને અટકાવી તમે ખોટા ધંધા કરો છો એમ કહીને ધમકાવ્યા હતા એટલું જ નહીં, તેમની મારઝૂડ પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના દાગીના કઢાવી લેવામાં આવ્યા હતા.

કિરીટ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે બપોરે અતિથિ હોટેલની બાજુમાં એક પેપરની ઝેરોકસ કાઢીને અને પછી સામેના પબ્લિક ટૉઇલેટનો ઉપયોગ કરીને હું ત્યાંથી પાછો મારા સ્કૂટર પાસે આવ્યો હતો. ત્યારે એક વ્યક્તિ મારી પાછળ આવી હતી. તેણે મને પોતાના પ્રાઇવેટ પાર્ટને હાથ લગાડવા કહ્યું હતું. એકાએક સામેવાળી વ્યક્તિએ આવી વાત કરતાં હું ચોંકી ગયો હતો. ત્યારે મેં તેને ત્યાંથી જવા માટે કહ્યું હતું. એટલી વારમાં બીજા બે લોકો મારી નજીક આવ્યા હતા. તેમણે પોતાની ઓળખ પોલીસ-અધિકારી તરીકે આપી હું ખોટા ધંધા કરું છું એમ કહીને મને પોલીસ-સ્ટેશન પર સાથે આવવા કહ્યું હતું. મેં તેમને સમજાવવાની કોશિશ કરી ત્યારે તેમણે મારી છાતી પર જોરથી મુક્કો માર્યો હતો એટલું જ નહીં, ધક્કામુક્કી કરીને મને અતિથિ હોટેલની બાજુની એક ખાલી જગ્યા પર લઈ ગયા હતા. ત્યાર બાદ તેમણે મને છોડવા માટે ૧૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. મારી પાસે એટલા પૈસા ન હોવાનું કહેતાં તેમણે મારી ચેઇન અને વીંટી કઢાવી તેમની પાસે રાખીને કહ્યું હતું કે ૧૫,૦૦૦ રૂપિયા લઈને આવ અને આ બધી વસ્તુઓ લઈ જા. તેમની પાસે હથિયાર પણ હોઈ શકે છે એવા ડરથી ૧૫,૦૦૦ રૂપિયા લઈને આવું છું એમ કહીને હું ત્યાંથી નીકળી ગયો હતો. ત્યાંથી નીકળીને મેં મારા પુત્રને અને ભાઈને ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી. થોડી વાર બાદ હું પાછો એ જગ્યા પર પાછો ગયો ત્યારે ત્રણે જણ ત્યાંથી નાસી ગયા હતા. અંતે મેં મારી ફરિયાદ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની માહિતી મળતાં અમારી એક ટીમે ઘટનાસ્થળ નજીકના CCTV કૅમેરા સ્કૅન કર્યા ત્યારે ત્યાં લાગેલા ૪ CCTV કૅમેરાનાં ફુટેજમાં આરોપીઓના ક્લિયર ફોટો મળી ગયા હતા. એ ફોટોને જૂના ડેટાબેઝ સાથે તપાસતાં મુખ્ય સૂત્રધાર મીરા રોડનો હોવાની માહિતી મળી હતી. એટલે મીરા રોડથી ૪૧ વર્ષના તૌફીક સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી માહિતી મેળવીને વસઈમાંથી ૬૩ વર્ષના સિમોન ગૉન્સાલ્વિસ અને કુર્લામાંથી બાવન વર્ષના મોહમ્મદ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણે જણ રેકૉર્ડ પરના આરોપીઓ હોવાની માહિતી સામે આવી છે. તેમની પાસેથી પૂરેપૂરી માલમતા જપ્ત કરી લેવામાં આવી છે.’

mumbai news mumbai mulund Crime News mumbai crime news