બાંદરાની ક્લબમાં ત્રણ ગુજરાતીઓને બે બાઉન્સરોએ માર્યા

09 December, 2025 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે ફરિયાદ નોંધીને બન્નેની અટકાયત કરી- બાંદરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે બે બાઉન્સર સામે ફરિયાદ નોંધીને તેમની અટકાયત કરી છે. તેમને શા માટે માર્યો હતો એનો ખુલાસો હજી થયો નથી. વધુ તપાસ ચાલી રહી છે.’

145 નામની ક્લબ

બાંદરા-વેસ્ટના આંબેડકર રોડ પર પરની 145 નામની ક્લબમાં રવિવારે મોડી રાતે પાર્ટી કરવા ગયેલા ૩૦ વર્ષના રવિ ટીકડિયા, તીર્થ પટેલ અને ઉમંગ પટેલની બાઉન્સરોએ મારઝૂડ કરી હતી. આ મામલે બાંદરા પોલીસે બે બાઉન્સર સામે ફરિયાદ નોંધીને ગઈ કાલે સવારે તેમની અટકાયત કરી હતી. મુલુંડ-વેસ્ટની સ્વપ્નનગરીમાં રહેતો રવિ ક્લબમાં ડાન્સ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવેલા બાઉન્સરો તેની મારઝૂડ કરવા માંડ્યા હતા. તેને છોડાવવા ગયેલા તેના મિત્રોની પણ તેમણે મારઝૂડ કરી હતી. આ ઘટનામાં રવિને માથામાં ત્રણ ટાંકા આવ્યા છે.

રવિ ટીકડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાત્રે પોણાબાર વાગ્યે હું મારા મિત્રો તીર્થ અને ઉમંગ સાથે 145 નામની ક્લબમાં પાર્ટી કરવા ગયો હતો. સાડાબાર વાગ્યે અમે જ્યારે ફ્લોર પર ડાન્સ કરી રહ્યા હતા ત્યારે ક્લબના બે બાઉન્સરોએ મને કારણ વિના માર માર્યો હતો. તેમણે પહેરેલાં બૂટ વડે મારા માથા પર લાતો મારી હતી. જ્યારે મેં તેમને મારવાનું કારણ પૂછ્યું ત્યારે તેઓ મને ખેંચીને બહાર લઈ ગયા હતા. મને બચાવવા આવેલા મારા મિત્રોને પણ તેમણે માર માર્યો હતો અને ગાળો આપી હતી. અંતે અમે ૧૦૦ નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી. મારઝૂડને કારણે મારા માથામાં ગંભીર ઈજા થઈ છે.’

બાંદરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે બે બાઉન્સર સામે ફરિયાદ નોંધીને તેમની અટકાયત કરી છે. તેમને શા માટે માર્યો હતો એનો ખુલાસો હજી થયો નથી. વધુ તપાસ ચાલી રહી છે.’

mumbai news mumbai bandra Crime News mumbai crime news mumbai police gujaratis of mumbai gujarati community news