12 November, 2025 09:47 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
ઔરંગાબાદમાં એક ભાઈ વૃદ્ધ મહિલાને ઊંચકીને મત અપાવવા લઈ આવ્યા હતા.
ગઈ કાલે બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કામાં ૨૦ જિલ્લાની ૧૨૨ સીટો પર કુલ ૬૮.૫૨ ટકા મતદાન થયું હતું. અનેક જગ્યાએ બૂથ પર લાંબી લાઇનો જોવા મળી હતી અને સુરક્ષાવ્યવસ્થા મજબૂત હોવા છતાં કેટલાંક બૂથો પર વિરોધી પાર્ટીઓ વચ્ચે અથડામણના કિસ્સાઓ બન્યા હતા. ક્યાંક મત આપવા માટે જબરદસ્ત ઉત્સાહ હતો તો કેટલાક વિસ્તારોએ લિટરલી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. મુસ્લિમ બહુમતી ધરાવતા કિશનગંજમાં સૌથી વધુ ૭૭.૭૫ ટકા અને નવાદામાં સૌથી ઓછું ૫૭.૭૬ ટકા મતદાન થયું.
પૂર્ણિયામાં કેટલાંક બૂથો જનજાતીય થીમ પર શણગારવામાં આવ્યાં હતાં. ત્યાં લોકોનું સ્વાગત આદિવાસી નૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
કૈમુરમાં એક ગામમાં ૧૧૦ વર્ષનાં એક માજીને વોટ અપાવવા માટે પરિવારજનો ખાટલા પર ઊંચકીને લઈ આવ્યા હતા.
ચૂંટણીના ચમકારા
અરવલ ગામમાં વોટિંગ દરમ્યાન હાર્ટ-અટૅકથી એક પદાધિકારીનું મૃત્યુ થયું હતું.
બેતિયા ગામમાં પૈસા વહેંચી રહેલા RJDના બે સમર્થકોને ગામવાળાઓએ પકડી લીધા હતા અને પોલીસ બન્નેને પકડીને લઈ ગઈ હતી.
બગહા ગામનાં ૧૯ બૂથોમાં માત્ર એક જ વોટ પડ્યો, લગભગ ૧૫,૦૦૦થી વધુ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
જમુઈ, નવાદા, શિવહર, બેલસંડ અને અરરિયામાં બૂથ પર થયાં છમકલાં.
મોતિહારીમાં ૧૦ નકલી વોટરોને પકડવામાં આવ્યા.
|
ટૉપ ફાઇવ એક્ઝિટ પોલ |
|||
|
એજન્સી |
NDA |
મહાગઠબંધ |
અન્ય |
|
મૅટ્રિઝ-IANS |
147-164 |
70-90 |
0-7 |
|
પીપલ્સ ઇનસાઇટ |
133-148 |
87-102 |
3-8 |
|
ચાણક્ય |
130-138 |
100-108 |
3-5 |
|
ટાઇમ્સ નાઓ |
143 |
95 |
5 |
|
ન્યુઝ 18 |
140-150 |
85-95 |
5-15 |
|
પોલ ઑફ પોલ્સ |
154 |
83 |
6 |
NDA ૧૫૪ બેઠક સાથે મેળવશે સ્પષ્ટ બહુમતી, મહાગઠબંધનના ફાળે આવશે ૮૩ સીટ ઃ ૧૬ એક્ઝિટ પોલની સરેરાશનો આ છે વરતારો
ચૂંટણી પત્યા પછી એક્ઝિટ પોલનું રિઝલ્ટ પણ આવી ગયું છે. ૧૬ એજન્સીઓએ કરેલા પોલ ઑફ પોલ્સમાં એટલે કે બધાની સરેરાશમાં NDAને ૧૫૪ બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન છે. મહાગઠબંધનને ૮૩ બેઠકો અને અન્યના ખાતામાં ૬ સીટો જાય એવી સંભાવના છે. પહેલી વાર ચૂંટણીમાં ઊતરેલા પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીની અસર ખાસ ઊભી કરી નહીં શકે એવું અનુમાન છે. તેમને માત્ર ત્રણથી પાંચ બેઠકો જ મળે એવું મનાય છે. લાસ્ટ વિધાનસભાની ચૂંટણીમાં NDAને ૧૨૫ અને મહાગઠબંધનને ૧૧૦ સીટો મળી હતી એ મુજબ જોઈએ તો આ વખતે NDAને ૨૯ સીટોનો ફાયદો થશે અને મહાગઠબંધનને ૧૮ સીટોનું નુકસાન થશે એવું મનાય છે.