14 November, 2025 10:32 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હી પોલીસની ફાઇલ તસવીર
બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા લોકોના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું જેથી બ્લાસ્ટ દરમ્યાન કેવાં કેમિકલ્સ કે હથિયારોનો ઉપયોગ થયો હતો એ સમજી શકાય. મૃતદેહોના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે બ્લાસ્ટને કારણે અનેક લોકોનાં હાડકાં તૂટી ગયાં હતાં. માથા પર ઊંડા આઘાતના નિશાન મળ્યાં હતાં. કેટલાક મૃતદેહોનાં ફેફસાં કે આંતરડાં ફાટી ગયાં હતાં તો કેટલાકના કાનના પડદા ફાટી ગયેલા હતા. ધમાકાને કારણે લોકોનું શરીર દીવાલો સાથે અથડાયું હોવાથી આંતરિક હાડકાંમાં ફ્રૅક્ચરનાં નિશાન જોવા મળ્યાં હતાં. કેટલાક દરદીઓમાં વધુપડતું લોહી વહી જવાથી મૃત્યુ થયું હોવાનું પણ નોંધાયું હતું. મૃતદેહો કે તેમનાં કપડાં પર છરા, કાચ કે સામાન્ય બૉમ્બમાં વપરાતા સ્પ્લિન્ટર મટીરિયલ જેમ કે છરા, કાચ, લાકડાંની શાર્પ ચીરીઓ કે ધાતુનો ભુક્કો જોવા નહોતાં મળ્યાં. એનો મતલબ એ છે કે વિસ્ફોટમાં કોઈ નવો શોધાયેલો પદાર્થ વાપરવામાં આવ્યો હશે.
બ્લાસ્ટના ત્રીજા દિવસે ૫૦૦ મીટર દૂર છત પર મળ્યો કપાયેલો હાથ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. જોકે ઘટનાના ત્રીજા દિવસ પછી પણ એની ભયાનકતા કેટલી તીવ્ર હતી કે કમકમાં લાવી દે એવાં દૃશ્યો જોવાં મળે છે. આ હાદસામાં ક્ષત-વિક્ષત થયેલાં મૃતદેહોના ટુકડા ઘટનાસ્થળથી લગભગ ૫૦૦ મીટર દૂરની એક છત પર જોવા મળ્યા હતા. બજારની અક દુકાન પર કપાયેલો હાથ મળ્યો હતો અને છૂટાછવાયા માંસના લોચા પણ વિખેરાયેલા હતા. એ મળ્યા પછી પોલીસે એ અવશેષોને એકત્ર કરીને મૃતદેહોના DNA સાથે મૅચ કરવા માટે મૉર્ગમાં મોકલી આપ્યા હતા.