ડૉ. શાહીન શાહિદનું કોડનેમ હતું મૅડમ સર્જ્યન

14 November, 2025 10:40 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જૈશ-એ-મોહમ્મદની મહિલા વિંગ જમાત-ઉલ-મોમિનાતની ભારતની આ હેડ લાલચ, મહત્ત્વાકાંક્ષી સપનાંઓ અને કટ્ટરપંથી વિચારોનું ઝેર પીવડાવીને મહિલા જેહાદીઓની ફોજ ઊભી કરવાનું ઑપરેશન હમદર્દ ચલાવી રહી હતી

ડૉ. શાહીન શાહિદ

ભારતની સીક્રેટ એજન્સીઓએ જ્યારથી લખનઉની ડૉ. શાહીન શાહિદની ધરપકડ કરી છે ત્યારથી રોજ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે એક એવા ષડ્‍યંત્રનો પર્દાફાશ થયો છે જે સાંભળીને પણ રૂંવાડાં ખડાં થઈ જાય. જૈશ-એ-મોહમ્મદની મહિલા વિંગ જમાત-ઉલ-મોમિનાતની ભારતની હેડ ડૉ. શાહીનનું કોડનેમ હતું મૅડમ સર્જ્યન. સૂત્રોના કહેવા મુજબ શાહીન સાથે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સાથે ઑપરેશન હમદર્દનું પ્લાનિંગ કરી રહી હતી. શાહીન ખુદ એની માસ્ટરમાઇડન્ડ હતી. ઑપરેશન હમદર્દ સાંભળવામાં સારું લાગે છે, પરંતુ એના થકી વધુ ને વધુ લોકોને આતંકવાદનું હથિયાર બનાવવાનો આશય હતો. જૈશ-એ-મોહમ્મદે યુવાન મુસ્લિમ છોકરીઓ અને મહિલાઓ પ્રત્યે હમદર્દી બતાવીને તેમને આતંકવાદી બનાવવાનો પ્લાન ઘડ્યો હતો. 

ઑપરેશન હમદર્દની ત્રણ કૅટેગરી

પહેલી કૅટેગરીમાં એવી મુસ્લિમ છોકરીઓ અને મહિલાઓને રાખી હતી જે આર્થિક રીતે નબળી હતી. તેમને પૈસાની લાલચ આપીને આતંક ફેલાવવાના રસ્તે દોરવાની હતી. બીજી કૅટેગરીમાં એવી મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓ હતી જે સામાન્ય રીતે બુરખો પહેરતી નહોતી અને જેમની મહત્ત્વાકાંક્ષા બહુ ઊંચી હતી. તેમને વિદેશ લઈ જવાનાં સપનાં અને આરામની જિંદગી અપાવવાનો વાયદો કરીને આતંકવાદી કામોમાં પળોટવાની હતી. ત્રીજી કૅટેગરીમાં એવી મુસ્લિમ છોકરીઓ અને મહિલાઓ હતી જેમના વિચારો કટ્ટરપંથી હતા અને જેમને આરામથી જેહાદના રસ્તા પર લાવી શકાય એમ હતું. શાહીદની ટીમ આ ત્રણ કૅટેગરી અંતર્ગત આતંકવાદી નેટવર્કને મજબૂત કરવાનું કામ કરી રહી હતી. 

national news india delhi news new delhi bomb blast Crime News