14 November, 2025 09:17 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
જેપી ઇન્ફ્રાટેક લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર મનોજ ગૌરની ગઈ કાલે ધરપકડ કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ જેપી ઇન્ફ્રાટેક લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર મનોજ ગૌરની મની-લૉન્ડરિંગના કેસમાં ધરપકડ કરી છે. આ મામલો ખરીદદારો પાસેથી લીધેલા ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના ફન્ડ-ડાઇવર્ઝન એટલે કે હેરાફેરી સાથે સંકળાયેલો છે. કંપની સામે આ કેસ ૨૦૧૭થી ચાલી રહ્યો છે. એમાં લગભગ ૨૧,૦૦૦ ફ્લૅટ્સ માટે ઍડ્વાન્સ પૈસા આપનારા લોકો ફસાયા છે. આ ખરીદદારોએ નોએડાના વિશ ટાઉન જેવા પ્રોજેક્ટ્સમાં ફ્લૅટનું બુકિંગ કરાવ્યું હતું, પરંતુ તેમને વાયદા મુજબ ફ્લૅટ મળ્યા નહોતા.
EDના અધિકારીઓનું કહેવું છે કે મનોજ ગૌરે કંપનીના નિર્ણયોમાં મહત્ત્વનો રોલ ભજવીને ફન્ડને ગ્રુપની અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કર્યું છે. EDએ દિલ્હી, નોએડા, ગાઝિયાબાદ અને મુંબઈમાં ૧૫ જગ્યાએ છાપામારી કરીને મનોજ ગૌરની ધરપકડ કરી હતી. છાપામારી દરમ્યાન ૧.૭ કરોડ રૂપિયા કૅશ, ડિજિટલ ડેટા અને પ્રૉપર્ટીના ડૉક્યુમેન્ટ્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
જેપી ગ્રુપની સબસિડિયરી કંપનીઓ જેપી ઇન્ફ્રાટેક લિમિટેડ અને જયપ્રકાશ અસોસિએટ્સ લિમિટેડમાં પણ બહુ મોટા સ્તરે નાણાકીય લેવડદેવડમાં ગરબડ જોવા મળી છે. હાઉસિંગ પ્રોજેક્ટ માટે લીધેલા પૈસા એને બદલે અન્ય પ્રોજેક્ટ્સમાં ડાઇવર્ટ કરી દેવામાં આવ્યા હોવાનું નોંધાયું હતું.
કેસ શું છે?
જેપી ઇન્ફ્રાટેક દિલ્હી-NCRની બહુ મોટી રિયલ એસ્ટેટ ડેવલપર હતી. એણે યમુના એક્સપ્રેસવે પર વિશ ટાઉનશિપ અને જેપી ગ્રીન્સ જેવા જાયન્ટ પ્રોજેક્ટ્સ લૉન્ચ કર્યા હતા. એમાં ૨૧,૦૦૦થી વધુ લોકોએ ફ્લૅટ્સ બુક કરાવ્યા હતા, પણ તેઓ ઘર વિનાના રહી ગયા હતા. આ હજારો લોકો છેલ્લાં ૧૦ વર્ષથી વધુ સમયથી ઘરની રાહ જોઈ રહ્યા છે.