14 November, 2025 01:09 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
હરિયાણાના ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી
દિલ્હી-બ્લાસ્ટના મુખ્ય ત્રણ આરોપીઓ હરિયાણાના ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોવાથી યુનિવર્સિટીની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. યુનિવર્સિટીની માન્યતાને લઈને મેડિકલ રેગ્યુલેટરી ઑથોરિટીએ નોટિસ મોકલી છે અને યુનિવર્સિટી તેમ જ એની સાથે સંકળાયેલા ડૉક્ટરોની ફાઇનૅન્શિયલ કડીનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને અન્ય નાણાકીય તપાસ-એજન્સીઓ પણ તપાસ શરૂ કરશે. આ યુનિવર્સિટીનું ફૉરેન્સિક ઑડિટ પણ કરાવવામાં આવશે. અસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU)એ અલ-ફલાહ યુનિવર્સિટીની સદસ્યતા રદ કરી દીધી છે.
આ યુનિવર્સિટીના ૩ લૅબોરેટરી ટેક્નિશ્યનોને તેમ જ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.
બિલ્ડિંગ નંબર ૧૭, રૂમ ૧૩
બુધવારે બપોરથી હરિયાણા પોલીસ અને તપાસ-એજન્સીઓએ અલ-ફલાહ યુનિવર્સિટીના ખૂણેખૂણાની તપાસ કરવાની શરૂ કરી દીધી છે. એજન્સીઓનાં સૂત્રોનું કહેવું છે કે આ યુનિવર્સિટીના બિલ્ડિંગ નંબર ૧૭માં જ્યાં બૉય્ઝ હૉસ્ટેલ છે એનો રૂમ-નંબર ૧૩ વાઇટ કૉલર ટેરરિસ્ટોનો અડ્ડો હતો. આ રૂમમાંથી પણ કેટલાક પુરાવાઓ અને કડીઓ મળી છે જે તપાસમાં મહત્ત્વની પુરવાર થશે.
અલ-ફલાહનો માલિક પણ જેલ જઈ આવ્યો છે
આ યુનિવર્સિટીનો ફાઉન્ડર જાવેદ અહમદ સિદ્દીકી મૂળ મધ્ય પ્રદેશના મહુ ગામનો છે. તેની બીજી નવ કંપનીઓ છે. ભૂતકાળમાં સાડાસાત કરોડ રૂપિયાના ચીટિંગના કેસમાં જાવેદને ત્રણ વર્ષની જેલની સજા થઈ ચૂકી છે.