દરેક મોબાઇલ ફોનમાં ડિલીટ ન થઈ શકે એ રીતે હોવી જોઈએ ભારત સરકારની ઍપ સંચારસાથી

02 December, 2025 06:33 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સાઇબર-સુરક્ષા માટેની આ ઍપ દરેક ફોનમાં પ્રીલોડ કરવાની સૂચના આપી ભારત સરકારે તમામ સ્માર્ટફોન ઉત્પાદકોને

૨૦ નવેમ્બરના આદેશમાં સરકારે જણાવ્યું છે કે દરેક ઉત્પાદિત મોબાઇલ ફોનમાં સંચારસાથી ઍપ્લિકેશન પહેલાંથી ઇન્સ્ટૉલ કરવામાં આવવી જોઈએ

ભારતના ટેલિકૉમ મંત્રાલયે તમામ સ્માર્ટફોન ઉત્પાદકોને સરકારી માલિકીની સાઇબર-સુરક્ષા ઍપ્લિકેશન ‘સંચારસાથી’ પ્રીલોડ કરવાનો આદેશ આપ્યો છે. સાથે તાકીદ પણ કરવામાં આવી છે કે બધાં નવાં ઉપકરણોમાં આ ઍપ ડિલીટ પણ થઈ શકે નહીં. સરકારના આ પગલાથી ઍપલ અને પ્રાઇવસીના હિમાયતીઓ નારાજ થાય એવી શક્યતા છે.

સાઇબર ગુના અને હૅકિંગના અપરાધોમાં થઈ રહેલા કેસોને પહોંચી વળવા માટે સરકારે આ પગલું લીધું છે. તાજેતરમાં રશિયાએ પણ આવું પગલું લીધું હતું. છેતરપિંડી માટે ચોરાયેલા ફોનના ઉપયોગને રોકવા અથવા રાજ્ય સમર્થિત સરકારી ઍપ્લિકેશનોને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ છે.

અગાઉ સરકારી ઍન્ટિ-સ્પૅમ મોબાઇલ ઍપ્લિકેશનના વિકાસ વિશે ટેલિકૉમ નિયમનકાર સાથે ઍપલ ટકરાઈ ચૂકી છે. હવે એની સાથે સૅમસંગ, વિવો, ઓપ્પો અને શાઓમી જેવી કંપનીઓ પણ નવા આદેશથી બંધાયેલી છે.

૨૦ નવેમ્બરના આદેશમાં સરકારે જણાવ્યું છે કે દરેક ઉત્પાદિત મોબાઇલ ફોનમાં સંચારસાથી ઍપ્લિકેશન પહેલાંથી ઇન્સ્ટૉલ કરવામાં આવવી જોઈએ અને એની ખાતરી કરવા માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

national news india cyber crime Crime News indian government technology news tech news