ભાષણ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડતા કહ્યું “મોદીને સત્તા પરથી હટાવ્યા પછી જ હું મરીશ”

29 September, 2024 08:16 PM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

Jammu Kashmir Elections 2024: આ પછી તેમના ભાષણમાં વિક્ષેપ પડ્યો અને પાર્ટીના નેતાઓએ તેમનો હાથ પકડીને તેમને ખુરશી પર બેસાડ્યા.

કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જસરોટામાં ચાલી રહેલી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી વચ્ચે એક જાહેર સભાને સંબોધિત કર્યા હતા. (પીટીઆઈ)

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રચાર (Jammu Kashmir Elections 2024) માટે કઠુઆ પહોંચેલા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્ટેજ પર ભાષણ આપતો વખતે બીમાર પડ્યા હતા. આ પછી તેમના ભાષણમાં વિક્ષેપ પડ્યો અને પાર્ટીના નેતાઓએ તેમનો હાથ પકડીને તેમને ખુરશી પર બેસાડ્યા. પાર્ટીના નેતાઓએ કહ્યું કે હવે તેમની હાલત સ્થિર છે અને તેમને તપાસવા માટે ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા છે. જોકે, થોડા સમય પછી તેમણે ફરીથી સ્ટેજ પરથી કહ્યું કે હું અત્યારે 83 વર્ષનો થઈ ગયો છું, હું જલ્દી મરવાનો નથી. જ્યાં સુધી પીએમ મોદીને સત્તા પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હું જીવતો રહીશ.

ખડગે કઠુઆમાં આતંકવાદીઓ (Jammu Kashmir Elections 2024) સાથે ચાલી રહેલા ઓપરેશનમાં શહીદ થયેલા હેડ કોન્સ્ટેબલને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. આ ઘટનામાં અન્ય બે પોલીસકર્મી ઘાયલ થયા છે અને એક આતંકવાદી માર્યો ગયો છે. કૉંગ્રેસના મહાસચિવ ગુલામ અહેમદ મીરે પીટીઆઈને જણાવ્યું હતું કે, "તેઓ જસરોટામાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા જ્યારે તેમને અસ્વસ્થતા અને ચક્કર આવવા લાગ્યા. તેમના સાથીદારોએ તેમને ખુરશી પર બેસવામાં મદદ કરી." તેમણે કહ્યું કે કૉંગ્રેસ અધ્યક્ષની હાલત સ્થિર છે. ખડગે વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારોને સમર્થન મેળવવા માટે એક રેલીને સંબોધવા માટે જસરોટા ગયા હતા. તેઓ ઉધમપુર જિલ્લાના રામનગરમાં બીજી જાહેર સભાને પણ સંબોધવાના છે.

તેમની તબિયત લથડતા પહેલા રેલીને સંબોધતા ખડગેએ કહ્યું, "જમ્મુ અને કાશ્મીરના લોકોએ નક્કી કર્યું છે કે આ વખતે તેઓ કૉંગ્રેસ અને એનસીના ગઠબંધનને (Jammu Kashmir Elections 2024) સરકારમાં લાવવાના છે. ભાજપના લોકો અહીં આવીને ભડકાઉ ભાષણો આપે છે, પરંતુ તેઓએ જાણવું જોઈએ કે આનાથી દેશના લોકોને, ખાસ કરીને ગરીબો અને આપણી માતાઓ અને બહેનોને નુકસાન થાય છે. ભાજપે જમ્મુ-કાશ્મીરની જનતાને ઘણા વચનો આપ્યા, પરંતુ તેઓએ કશું કર્યું નહીં. હવે અમિત શાહ કહે છે કે અમે પાંચ લાખ નોકરીઓ આપીશું, પરંતુ સવાલ એ છે કે તમે 10 વર્ષમાં શું કર્યું, તમને નોકરીઓ કેમ ન અપાઈ? જમ્મુ-કાશ્મીરમાં 65 ટકા સરકારી જગ્યાઓ ખાલી છે, તમે આટલા વર્ષોમાં આ જગ્યાઓ કેમ ભરી નથી? વાસ્તવિકતા એ છે કે તેઓ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માગે છે.

જમ્મુ અને કાશ્મીર કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રવિન્દ્ર શર્માએ (Jammu Kashmir Elections 2024) જણાવ્યું હતું કે ખડગેને ચક્કર આવતા હતા અને તેમને એક રૂમમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ સલાહ આપશે કે તેઓ બીજી રેલીમાં ભાગ લઈ શકે કે નહીં. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે હરિયાણામાં પણ વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થયા બાદ 8 ઓક્ટોબરે બંને રાજ્યોના પરિણામો જાહેર કરવામાં આવશે.

jammu and kashmir kharghar congress narendra modi national news srinagar