01 November, 2025 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલ્લિકાર્જુન ખડગે
કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ પર લગાવેલા આરોપોને વળતો જવાબ આપતાં દિલ્હીમાં એક પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે ‘સરદાર પટેલ લોખંડી પુરુષ અને ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા હતાં. આ કૉન્ગ્રેસનો ઇતિહાસ અને એનું યોગદાન છે. BJPએ દેશના પહેલા વડા પ્રધાન અને પટેલની વચ્ચે તિરાડ પેદા કરવાની કોશિશ કરી છે. બાકી તેમના સંબંધો સારા હતા.’
મલ્લિકાર્જુન ખડગેએ ૧૯૪૮માં તત્કાલીન ગૃહપ્રધાન સરદાર પટેલે લખેલા એક પત્રનો દાખલો આપીને કહ્યું હતું કે એ પત્રમાં સરદારે શ્યામા પ્રસાદ મુખરજીને કહ્યું હતું કે RSSએ માહોલ ખરાબ કર્યો છે અને એને કારણે મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી. એ પત્રનો ઉલ્લેખ કરીને મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ‘જો વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર પટેલના વિચારોનું સન્માન કરતા હોય તો તેમણે RSS પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. દેશમાં BJP અને RSSને કારણે કાયદો અને વ્યવસ્થામાં તકલીફ પડી રહી છે.’