02 December, 2025 10:39 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિન્ટર સેશનની શરૂઆત પહેલાં સંસદભવનની બહાર મીડિયાને સંબોધન કરી રહેલા નરેન્દ્ર મોદી.
સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં સંસદભવનની બહાર મીડિયાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન તાક્યું હતું અને બિહારનાં પરિણામોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે ઘણી પાર્ટીઓ પરાજયથી નારાજ છે, પણ તેમણે પરાજયની નિરાશામાંથી બહાર આવવું જોઈએ; વિપક્ષે પણ એની જવાબદારી નિભાવવી જોઈએ.
ગઈ કાલથી શરૂ થયેલા શિયાળુ સત્રમાં સરકાર ૧૪ બિલ રજૂ કરી શકે છે. એ માટે વિપક્ષોનો સહયોગ જરૂરી છે. મોદીએ કહ્યું હતું કે ‘આ સત્રમાં સંસદ દેશ માટે શું વિચારી રહી છે, એ દેશ માટે શું કરવા માગે છે, એ શું કરવા જઈ રહી છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ચર્ચામાં આવા મુદ્દાઓ ઉઠાવો. વિપક્ષે પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. હારની નિરાશામાંથી બહાર આવો. કમનસીબે, કેટલીક પાર્ટીઓ એવી હોય છે કે તેઓ હાર પચાવી શકતી નથી.’
બિહારની ચૂંટણીનાં પરિણામોને લઈને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મને લાગતું હતું કે બિહારનાં પરિણામોને આટલો બધો સમય થઈ ગયો છે કે તેઓ સુધરી ગયા હશે, પણ ગઈ કાલે મેં જે સાંભળ્યું એનાથી લાગે છે કે પરાજયે તેમને વધારે પરેશાન કર્યા છે. હું બધા પક્ષોને વિનંતી કરું છું કે શિયાળુ સત્ર હારના ગભરાટનું મેદાન ન બને અને આ શિયાળુ સત્ર વિજયના ઘમંડમાં ફેરવાવું જોઈએ નહીં. ખૂબ જ સંતુલિત રીતે, જવાબદારી સાથે, દેશના લોકોએ જનપ્રતિનિધિ તરીકેની જે જવાબદારી સોંપી એ જવાબદારી નિભાવતી વખતે આગળ વિચારો કે આપણી પાસે જે છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકીએ? જો કંઈક ખરાબ છે તો આપણે યોગ્ય ટિપ્પણીઓ કેવી રીતે કરી શકીએ જેથી દેશના નાગરિકોનું જ્ઞાન વધે.
વડા પ્રધાને કહ્યું હતું કે ‘ડ્રામા કરવા માટે ઘણી જગ્યાઓ છે, જે કોઈને નાટક કરવાં છે તેઓ કરતા રહે. અહીં ડ્રામા નહીં, ડિલિવરી હોવી જોઈએ. અહીં નારાબાજી પર નહીં, નીતિ પર ભાર હોવો જોઈએ. શક્ય છે કે રાજકારણમાં નકારાત્મકતા કંઈક કામ આવતી હશે, પરંતુ રાષ્ટ્રનિર્માણ માટે થોડી સકારાત્મક વિચારસરણી પણ હોવી જોઈએ.’
બિકાનેરના ભૂતપૂર્વ સંસદસભ્ય અને ઍક્ટર ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ
સોમવારે સંસદના સત્રની શરૂઆતમાં જ પાંચ ભૂતપૂર્વ સંસદસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બિકાનેરના ભૂતપૂર્વ સંસદસભ્ય અને લેજન્ડરી ઍક્ટર ધર્મેન્દ્રની સાથે અન્ય ચાર ભૂતપૂર્વ સંસદસભ્યોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.