પંજાબમાં મિલિટરી ફોર્સની જાસૂસીનો ગજબનો આઇડિયા પકડાયો

24 May, 2026 08:28 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

પઠાનકોટ-જમ્મુ હાઇવે પર CCTV કૅમેરા લગાવીને લાઇવ ટેલિકાસ્ટ સીધું પાકિસ્તાનમાં NH-44 પરથી પસાર થતાં ભારતીય સેનાનાં વાહનોની હિલચાલનું ફુટેજ દુશ્મન દેશમાં મોકલનારા આરોપીની ધરપકડ

આરોપી બલજિત સિંહ

પંજાબના પઠાનકોટમાં સુરક્ષા-એજન્સીઓએ એક મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરીને ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલા શંકાસ્પદ આરોપીની ઓળખ બલજિત સિંહ તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ આરોપી બલજિત સિંહે પઠાનકોટ-જમ્મુ વચ્ચેથી પસાર થતા નૅશનલ હાઇવે-૪૪ (NH-44) પર આવેલી એક દુકાન પર CCTV કૅમેરા લગાવ્યો હતો. આ કૅમેરા લગાવવાનો મુખ્ય હેતુ હાઇવે પરથી પસાર થતા ભારતીય સેનાના કાફલા અને સૈન્યનાં વાહનોની હિલચાલ પર નજર રાખવાનો હતો. આ કૅમેરાનું લાઇવ ફુટેજ અને સંવેદનશીલ માહિતી તે પાકિસ્તાનમાં બેઠેલા હૅન્ડલર્સને મોકલતો હતો.

સુરક્ષા-એજન્સીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બલજિત સિંહને આ જાસૂસી કરવા માટે દુબઈમાં રહેતી એક અજ્ઞાત વ્યક્તિ તરફથી સૂચનાઓ મળતી હતી. આ દેશવિરોધી કૃત્યના બદલામાં આરોપીને ૪૦,૦૦૦ રૂપિયાની રકમ પણ ચૂકવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પઠાનકોટ વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ સરહદી વિસ્તાર હોવાથી સુરક્ષા-એજન્સીઓ આ મામલાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે એની સઘન પૂછપરછ હાથ ધરી રહી છે.

national news india pathankot pakistan punjab