મહારાષ્ટ્રમાં આતંકવાદી પ્રવૃત્તિની શંકામાં મુંબ્રામાં એક શિક્ષકના ઘરે દરોડા

13 November, 2025 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલ-કાયદાની સામગ્રી સાથે ૩૭ વર્ષના સૉફ્ટવેર એન્જિનિયરની મંગળવારે ધરપકડ થઈ એ પછી ગઈ કાલે તેના પરિચયમાં રહેલા મુંબ્રાના એક શિક્ષકના ઘરે પણ સર્ચ-આ‍ૅપરેશન હાથ ધરવામાં આવ્યું

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં બ્લાસ્ટ પછી મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ગઈ કાલે થાણેમાં દરોડા પાડ્યા હતા. પુણેમાં ATSની ટીમે એક એન્જિનિયરની મંગળવારે ધરપકડ કરી હતી તો થાણે જિલ્લાના મુંબ્રામાં એક શિક્ષકના ઘરે ગઈ કાલે દરોડા પાડ્યા હતા અને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. 

પુણેમાં ATS દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીએ મુંબ્રામાં રહેતા એક શિક્ષક સાથે તેનો પરિચય હોવાનો દાવો કર્યો હતો. એ પછી ગઈ કાલે ATSની ટીમે મુંબ્રાના આ શિક્ષકના ઘરે દરોડા પાડ્યા હતા. ATSએ આ શિક્ષકના ઘરેથી લૅપટૉપ, મોબાઇલ ફોન અને અન્ય ડિવાઇસિસ જપ્ત કર્યાં હતાં. અહેવાલો પ્રમાણે ATSની ટીમ આ શિક્ષકને મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલા તેના બીજા ઘરે પણ સર્ચ ઑપરેશન માટે લઈ ગઈ હતી. જોકે ATSએ આ શિક્ષકની ઓળખ જાહેર કરી નથી.

શું મળી આવ્યું ૩૭ વર્ષના એન્જિનિયર પાસેથી?

૩૭ વર્ષના આરોપીનું નામ ઝુબૈર હંગરગેકર છે. પ્રોફેશનલી સૉફ્ટવેર એન્જિનિયર હોવા છતાં તે ખૂબ ઝનૂનપૂર્વક ધાર્મિક ભાષણો આપતો હોવાનો આરોપ તેની વિરુદ્ધ મૂકવામાં આવ્યો હતો. તેના પર કટ્ટરપંથી પ્રવૃત્તિઓ ફેલાવવાનો આરોપ પણ છે.

જૂના ફોનમાંથી પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કુવૈત ઓમાનના કૉન્ટૅક્ટ-નંબર્સ

ભારતીય ઉપખંડમાં અલ-કાયદા સંબંધિત PDF ફાઇલ

ઓસામા બિન લાદેનના ભાષણનો ઉર્દૂ અનુવાદ

વિસ્ફોટક બનાવવાની માહિતી સાથેનું ‘ઇન્સ્પાયર’ મૅગેઝિન

national news india bomb blast anti terrorism squad thane mumbra thane crime