09 December, 2025 06:58 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનમાં ‘રિસ્પેક્ટ ફૉર ડિસીઝ્ડ બૉડીઝ ઍક્ટ’ હેઠળના નવા નિયમો અમલમાં આવી ગયા છે. એના કારણે રસ્તા પર ડેડ-બૉડી મૂકીને વિરોધ કરવો એ કાયદેસર ગુનો બની ગયો છે. જો પરિવાર ૨૪ કલાકની અંદર અંતિમ સંસ્કાર કરવામાં નિષ્ફળ જાય તો પોલીસ કાર્યવાહી કરી શકશે અને અંતિમ સંસ્કાર કરી શકશે. સરકારનો દાવો છે કે રાજસ્થાન આ પ્રકારનો કાયદો લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે રસ્તા પર અથવા કોઈ પણ જાહેર સ્થળે વિરોધ, પ્રદર્શન અથવા દબાણ બનાવવા માટે ડેડ-બૉડી મૂકવાને હવે ફોજદારી ગુનો ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં ગુનેગારોને ૬ મહિનાથી પાંચ વર્ષની સજા થઈ શકે છે. પરિવારના સભ્યો દ્વારા આવું કરવા બદલ બે વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. વધુમાં હૉસ્પિટલો હવે બાકી બિલના આધારે ડેડ-બૉડીને રોકી શકશે નહીં, જેથી મૃત્યુ પામેલી વ્યક્તિની ગરિમા સુરક્ષિત રહે.
નવા નિયમો અનુસાર એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ તરફથી નોટિસ મળ્યાના ૨૪ કલાકની અંદર અંતિમ સંસ્કાર ફરજિયાત રહેશે. જો પરિવાર કોઈ પણ કારણોસર અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરે છે તો પોલીસ મૃતદેહનો કબજો લેશે અને અંતિમ સંસ્કાર પોતે કરશે. સરકારનું જણાવવું છે કે આ જોગવાઈનો હેતુ કાનૂની, સામાજિક અથવા કૌટુંબિક વિવાદોને કારણે લાંબા સમય સુધી મૃતદેહ અંતિમ સંસ્કાર વિના પડી રહે એવી પરિસ્થિતિઓને રોકવા માટે છે.
મૃત્યુ પામનારની ગરિમા અને સામાજિક શિસ્ત પર ભાર
રાજ્ય સરકાર માને છે કે જાહેર સ્થળોએ ડેડ-બૉડી મૂકીને વિરોધ કરવાથી માત્ર કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ જ નહીં, મૃત્યુ પામનાર વ્યક્તિની ગરિમાનું પણ ઉલ્લંઘન થાય છે. એથી આ કાયદા હેઠળ કડક દંડ લાગુ કરવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આ નિયમો સામાજિક શિસ્ત જાળવવા અને મૃત્યુ પામેલી વ્યક્તિના સન્માનનું રક્ષણ કરવામાં ખૂબ મદદ કરશે.