18 July, 2025 06:59 AM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)ની ફાઇનલ મેચ (IPL 2025 Finals)માં જીત મેળવ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)ની ૪ જૂનના રોજ બેંગલુરુ (Bengaluru)ના ચિન્નસ્વામી સ્ટેડિયમ (Chinnaswamy Stadium) સુધી યોજાયેલી આરસીબી (RCB) ટીમની વિજયી પરેડ (RCB Victory Parade) માતમમાં ફેરવાઈ ગઈ હતી. બેંગલુરુમાં થયેલી નાસભાગ, જેમાં ૧૧ લોકોના મોત થયા હતા, તે ઘટનાથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની IPL વિજય ઉજવણી ફ્રેન્ચાઇઝી અને ચાહકો માટે ખૂબ જ ઝડપથી એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ હતી. આ આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલાની તપાસ સાથે, કર્ણાટક સરકાર (Karantaka Government)એ હાઈકોર્ટને આપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, RCB એ શહેર પોલીસની પરામર્શ/પરવાનગી વિના લોકોને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આમંત્રણ આપ્યું હતું. રિપોર્ટમાં આરસીબીના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી (Virat Kohli)નું નામ પણ છે.
બેંગલુરુમાં ૪ જૂનના રોજ યોજાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિજય પરેડ (RCB Victory Parade) દરમિયાન થયેલી ભાગદોડ અંગેનો તપાસ રિપોર્ટ આવી ગયો છે. સિદ્ધારમૈયા સરકારે કર્ણાટક હાઈકોર્ટ (Karantaka Highcourt)માં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, RCBએ પોલીસની પરવાનગી વિના લોકોને વિજય પરેડમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. વિજય પરેડમાં ૧૧ લોકોનાં મોત થયા હતા. તે જ સમયે, ૫૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. રાજ્ય સરકારે કોર્ટને રિપોર્ટ ગુપ્ત રાખવા વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે આ ગુપ્તતાનો કોઈ કાનૂની આધાર નથી.
રાજ્ય સરકારે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, RCB મેનેજમેન્ટે IPL ફાઇનલ મેચ જીત્યા બાદ ૩ જૂને પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ, આ માત્ર એક માહિતી હતી. મેનેજમેન્ટે કાયદેસર રીતે પરવાનગી માંગી ન હતી. કાયદા અનુસાર, આવી પરવાનગી ઇવેન્ટના ઓછામાં ઓછા સાત દિવસ પહેલા લેવી પડે છે.
સરકાર દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે પોલીસની સલાહ લીધા વિના, RCBએ બીજા દિવસે સવારે ૭.૦૧ વાગ્યે તેના સત્તાવાર સોશ્યલ મીડિયા હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો જેમાં લોકોને મફત પ્રવેશની માહિતી આપવામાં આવી અને લોકોને વિજય પરેડમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું જે વિધાનસભા સૌધાથી શરૂ થશે અને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સમાપ્ત થશે તેવી જાણ કરવામાં આવી હતી. આ પછી સવારે ૮ વાગ્યે બીજી પોસ્ટ કરવામાં આવી, જેમાં માહિતીનો પુનરાવર્તિત ઉલ્લેખ કરવામાં આવ્યો. ત્યારબાદ, 04.06.2025 ના રોજ સવારે ૮.૫૫ વાગ્યે, RCB એ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર તેના સત્તાવાર હેન્ડલ @Rcbtweets પર RCB ટીમના મુખ્ય ખેલાડી વિરાટ કોહલીની એક વિડિઓ ક્લિપ શેર કરી, જેમાં તેણે ઉલ્લેખ કર્યો કે ટીમ ૦૪.૦૬.૨૦૨૫ના રોજ બેંગલુરુ શહેરના લોકો અને બેંગલુરુમાં RCB ચાહકો સાથે આ વિજયની ઉજવણી કરવા માંગે છે, એમ અહેવાલમાં જણાવાયું છે. આ પછી ૦૪.૦૬.૨૦૨૫ના રોજ બપોરે ૩.૧૪ વાગ્યે RCB દ્વારા બીજી પોસ્ટ કરવામાં આવી, જેમાં વિધાનસભા સૌધાથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી સાંજે ૫.૦૦ થી ૬.૦૦ વાગ્યા સુધી વિજય પરેડ યોજવાની જાહેરાત કરવામાં આવી.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આરસીબી, ડીએનએ એંટર્ટેન્મેંટ નેટવર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ (DNA Entertainment Networks Private Limited) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (Karnataka State Cricket Association – KSCA) અસરકારક રીતે સંકલન કરવામાં નિષ્ફળ ગયા, સ્ટેડિયમના દરવાજા ખોલવામાં વિલંબ થવાને કારણે ચાહકો દ્વારા ભાગદોડ મચી ગઈ. આ ઘટનાને કારણે સાત પોલીસ કર્મચારીઓને પણ ઈજા થઈ. આ ભયાનક ઘટના પછી, અધિકારીઓ દ્વારા પોલીસ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં, પીડિતો માટે વળતરની જાહેરાત અને ઘણું બધું સહિત અનેક તપાસ કરવામાં આવી.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)ની આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)ની ફાઇનલ મેચ (IPL 2025 Finals)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સ (Punjab Kings)ને ૬ રનથી હરાવીને IPL 2025ની ટ્રોફી પોતાને નામ કરી હતી. આ સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના આઇપીએલમાં ખિતાબ જીતવાના ૧૮ વર્ષના દુકાળનો અંત આવ્યો હતો.