આત્મઘાતી અટૅક નહીં પણ ગભરામણમાં થયેલો હુમલો હોવાની આશંકા

12 November, 2025 10:33 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ડૉ. ઉમર નબીએ ૨૯ ઑક્ટોબરે ખરીદી હતી કાર

દિલ્હીમાં બ્લાસ્ટના સ્થળેથી મંગળવારે બપોરે દિલ્હી પોલીસે કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું.

દિલ્હીમાં લાલ કિલા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે થયેલા કારબ્લાસ્ટમાં કુલ ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૨૦થી વધુ ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. મરનારાઓમાં બે મહિલાઓ પણ છે. હજી સુધી બે જ શબની ઓળખ થઈ શકી છે. બાકીના મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવશે.

ઘટનાની તપાસમાં નૅશનલ સિક્યૉરિટી એજન્સીએ એક પછી એક તાળા મેળવવા માટે કાર કોની હતી ત્યાંથી લઈને કારમાં કોણ હતું અને તેની સાથે આ હુમલામાં સંકળાયેલા સંભવિત ષડયંત્રકારીઓની પૂછપરછ અને ધરપકડો આદરી દીધી હતી. સુરક્ષા-એજન્સીઓએ ઘટનાસ્થળેથી ૪૨ પુરાવાઓ એકઠા કર્યા છે. એમાં i20 કારના પાર્ટ્‍સ, શૅસિ, CNG સિલિન્ડર અને અન્ય પાર્ટ્‍સ સહિત આસપાસમાં વિખરાયેલી પડેલી કેટલીક શંકાસ્પદ ચીજોને ફૉરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે.

સાત વાર કારની ખરીદ-વેચ

જે કારમાં બ્લાસ્ટ થયો હતો એ હરિયાણાની હતી જેની નંબરપ્લેટ હતી HR-26-CE-7674.

કેન્દ્રીય એજન્સીઓએ ગુજરાત ATS, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ફરીદાબાદ પોલીસ દ્વારા પકડાયેલા પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓની પૂછપરછ કરી, તેમના મોબાઇલો અને કૉલ રેકૉર્ડ્‍સ ખંખોળ્યા હતા.

ફરીદાબાદના રૉયલ કાર ઝોનના માલિક સોનુએ હજી ૪ દિવસ પહેલાં જ આ કાર વેચી હતી. હરિયાણા પોલીસે તેની ધરપકડ કરીને દિલ્હી પોલીસને સોંપ્યો હતો. આ કાર ૨૦૧૪થી અત્યાર સુધીમાં કુલ ૭ વાર વેચાઈ અને ખરીદાઈ હતી.

૨૯ ઑક્ટોબરે આ કાર ખરીદી ત્યારે એનું PUC કરવામાં આવ્યું હતું. એ વખતે કારમાં ૩ લોકો મોજૂદ હતા. ડૉ. ઉમરના નામે કાર ખરીદી હતી અને એ વખતે લાંબી દાઢીમાં તારિક અને અન્ય એક વ્યક્તિ હાજર હતી.

i20 કારની ટાઇમલાઇન

સવારે .૨૦ આ કાર દિલ્હીના ઓખલા ઇન્ડસ્ટ્રિયલ એરિયા પાસે એક પેટ્રોલ-પમ્પ પાસે જોવા મળી હતી જ્યાં ડ્રાઇવર ડૉ. ઉમર નબીએ ફ્યુઅલ ભરાવ્યું હતું અને થોડીક વાર ત્યાં રોકાઈ પણ હતી.

એ પછી કાર દિલ્હીના મુખ્ય અને જૂની દિલ્હીના વિસ્તારોમાં ફરતી રહી હતી. દરિયાગંજ, કાશ્મીરી ગેટ અને સુનહરી મસ્જિદ પાસેથી પસાર થતી જોવા મળી હતી.

બપોરે .૧૯ લાલ કિલ્લા પાસેની સુનહરી મસ્જિદ પાસેના એક પાર્કિંગમાં પ્રવેશ કર્યો. અહીં કાર લગભગ ૩ કલાક પડી રહી. એ દરમ્યાન ડૉ. ઉમર નબી કારમાં જ બેસી રહ્યો હતો.

સાંજે .૨૨ આટલા વાગ્યે કાર પાર્કિંગમાંથી બહાર નીકળી હતી. ત્યાંથી ચાંદની ચોક પાસેથી પસાર થઈને લાલ કિલ્લા પાસેથી યુ-ટર્ન લઈને સુભાષ માર્ગ પર લાલ કિલા મેટ્રો સ્ટેશનના ગેટ-નંબર એક પાસે રોકાઈ હતી, જ્યાં ૬.૫૨ વાગ્યે કારના પાછળના ભાગમાંથી મોટો વિસ્ફોટ થયો હતો.

ડૉ. ઉમર નબી કોણ હતો?

અત્યાર સુધી દિલ્હીના કારબ્લાસ્ટનો મુખ્ય આરોપી ડૉ. ઉમર નબીને જ માનવામાં આવે છે. કારમાં તેનું મૃત્યુ થઈ ગયું છે જેની પુષ્ટિ માટે તેની મમ્મી શમીશા બેગમની DNA ટેસ્ટ કરવામાં આવશે. મૂળ પુલવામાના કોયલ ગામનો રહેવાસી આ ડૉક્ટર અનંતનાગમાં ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજમાં સિનિયર રેસિડન્ટ ડૉક્ટર તરીકે કામ કરી રહ્યો હતો. તેણે MBBS થયા પછી માસ્ટર ઑફ મેડિસિન (MD) શ્રીનગરની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજમાંથી કર્યું હતું. એ પછી ત્રણ વર્ષથી સિનિયર રેસિડન્ટ ડૉક્ટર તરીકે અનંતનાગ મેડિકલ કૉલેજમાં કામ કરતો હતો જ્યાં ડૉ. ગુલામ જિલાની તેના પ્રોફેસર હતા. જોકે અહીં વારંવાર ડૉ. ઉમરની કામની ફરિયાદો આવતી હતી. બીજા ડૉક્ટરો અને પૅરામેડિકલ સ્ટાફ અને પેશન્ટ્સ પણ તેની ફરિયાદ કરતા. દરદીઓ સાથે તે ઉદ્ધતાઈથી વાત કરતો હતો. કામમાં તેની બેદરકારીને કારણે બે દરદીઓનાં મૃત્યુ થતાં ડૉ. ઉમરને હૉસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

ધમાકો થયો એના ૩ દિવસ પહેલાંથી ડૉ. ઉમર નબીએ તેનો ફોન બંધ કરી દીધો હતો. તેણે પોતાના પરિવારનો પણ કૉન્ટૅક્ટ નહોતો કર્યો. ડૉ. આદિલ અને ડૉ. મુઝમ્મિલની ધરપકડ પછી પોલીસ ત્રીજા આરોપી ડૉ. ઉમરની જ શોધમાં હતી. આ વાતથી ગભરાઈને તે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.

કોયલ ગામથી લગભગ ૨૦ કિલોમીટર દૂર સંબુરા ગામમાં પોલીસે બે ભાઈઓ આમિર અને ઉમર રાશિદની પણ ધરપકડ કરી છે. આમિર પ્લમ્બર છે અને આ કેસમાં મહત્ત્વનો આરોપી માનવામાં આવે છે કેમ કે તેનો પણ એક ફોટો બ્લાસ્ટવાળી i20 કાર સાથે છે.

અમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ શું છે?

સોમવારે થયેલા ધમાકામાં અમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલથી ધમાકો થયો હતો એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ એક એવું રસાયણ છે જે સામાન્ય રીતે ખેતરમાં ખાતર તરીકે વપરાય છે. જોકે સામાન્ય પરિસ્થિતિમાં એ જ્વલનશીલ કે વિસ્ફોટક નથી હોતું. એને કોઈ ફ્યુઅલ ઑઇલ સાથે ચોક્કસ માત્રામાં મેળવવામાં આવે છે ત્યારે અમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઑઇલ બની જાય છે. સામાન્ય રીતે ૯૪ ટકા અમોનિયમ નાઇટ્રેટ અને ૬ ટકા ફ્યુઅલ ઑઇલ વપરાય છે.

આ મિશ્રણને ક્યાંય પણ લાવવું-લઈ જવું બહુ આસાન છે. જોકે એ આપમેળે અને આસાનીથી સળગી ઊઠતું નથી. એને વિસ્ફોટક બનાવવા માટે હાઈ એનર્જીવાળા પ્રાઇમર કે ડિટોનેટરની જરૂર પડે છે. જોકે ડિટોનેટરને કારણે એમાંથી તીવ્ર રાસાયણિક પ્ર‌તિક્રિયા થઈને ગરમ ગૅસ પેદા થાય છે અને એટલો જોરદાર વિસ્ફોટ થાય છે જે તબાહી મચાવે છે અને ક્યારેક ઝેરી ગૅસ પણ રિલીઝ કરે છે.

મૃત્યુ પામનારાઓ અને ઘાયલોને વળતર
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ આ હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને દસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનું જાહેર કર્યું હતું. જે લોકો પૂરી રીતે દિવ્યાંગ થયા છે તેમને પાંચ લાખ અને ઘાયલોને બે લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ઘાયલોનો સંપૂર્ણ ખર્ચ પણ દિલ્હી સરકાર ઉઠાવશે.

આત્મઘાતી હુમલો નહીં, ગભરામણમાં થયેલો બ્લાસ્ટ

શરૂઆતની તપાસમાં જે પ્રકારની વિગતો મળી છે એના આધારે સલામતી એજન્સીઓએ કરેલા વિશ્લેષણમાં આ હુમલો આત્મઘાતી કે ફિદાયીન હોવાની શક્યતા ઓછી લાગે છે. ફૉરેન્સિક નિષ્ણાતોનું કહેવું છે કે પાંચ મુદ્દા પરથી આવો દાવો થઈ શકે.

૧. બૉમ્બ પૂરી રીતે તૈયાર નહોતો એટલે બ્લાસ્ટની અસર સીમિત રહી.

૨. ધમાકો થયા પછી ત્યાં કોઈ ખાડો નથી પડ્યો કે નથી કોઈ છરા કે પ્રોજેક્ટાઇલ મળ્યા.

૩. ધમાકો થયો ત્યારે કાર બહુ ધીમી ચાલી રહી હતી એટલે વિસ્ફોટક વધુ લોકોને અસર ન કરી શક્યો.

૪. આરોપીએ આત્મઘાતી કારહુમલાની જે સામાન્ય પૅટર્ન હોય છે એવું નથી કર્યું. જેમ કે ન તો તેણે કોઈ ટાર્ગેટમાં કાર ઘુસાવી છે, ન કોઈને ટક્કર મારી છે.

૫. ફરીદાબાદ, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં વિવિધ જગ્યાએ છાપામારી થઈ અને ભારે માત્રામાં વિસ્ફોટકો મળ્યા હતા અને કારચાલક એ જ ટોળકી સાથે સંકળાયેલો હતો એટલે ધારી શકાય કે તે પૅનિક થઈ ગયો હોય અને ઉતાવળમાં આ પગલું ઉઠાવ્યું હોય.

national news india red fort delhi news delhi new delhi delhi police