02 December, 2025 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉત્તર પ્રદેશના મુરાદાબાદના શિક્ષક સર્વેશ સિંહે ૩ પાનાંની સુસાઇડ-નોટમાં ૪૮૧ શબ્દોમાં પોતાની દર્દભરી વાત લખી છે.
મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના કામના દબાણના કારણે આત્મહત્યા કરનારા ઉત્તર પ્રદેશના મુરાદાબાદના શિક્ષક સર્વેશ સિંહે ૩ પાનાંની સુસાઇડ-નોટમાં ૪૮૧ શબ્દોમાં પોતાની દર્દભરી વાત લખી છે. માત્ર સુસાઇડ-નોટ જ નહીં, મૃત્યુ પહેલાં તેણે બનાવેલો બે મિનિટ ૪૦ સેકન્ડનો વિડિયો જોઈને પણ તેની વેદના સમજી શકાય છે કે સર્વેશ રડવાને કારણે બોલી શકતો નહોતો.
સુસાઇડ-નોટ અને વિડિયો સર્વેશના આપઘાતની મજબૂરી સમજવા માટે પૂરતા છે. સુસાઇડ-નોટમાં તેણે લખ્યું છે, ‘આ કામ મને પહેલી વાર મળ્યું છે. એના વિશે માહિતીના અભાવે, દિવસ-રાત સખત મહેનત કરવા છતાં હું પોતાનું લક્ષ્ય પૂર્ણ કરી શકતો નહોતો. આના કારણે હું ખૂબ જ પરેશાન છું, મારું માનસિક સંતુલન બગડ્યું છે, એના કારણે મને આ આત્મહત્યા કરવાની ફરજ પડી છે. મારા પરિવારે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું, પરંતુ હું હારી ગયો. કહેવા માટે ઘણું બધું બાકી છે, પણ સમય ઓછો છે. મને ખૂબ જ બેચેની, ગૂંગળામણ અને ડર લાગે છે. મારી ૪ નાની દીકરીઓ છે. તેમની સંભાળ રાખો. તેઓ ખૂબ જ નિર્દોષ છે. આ લખતી વખતે મને ખૂબ જ પીડા થઈ રહી છે. જો મારી પાસે વધુ સમય હોત તો હું કદાચ આ કાર્ય પૂર્ણ કરી શક્યો હોત, પરંતુ આ સમય મારા માટે પૂરતો નહોતો. કૃપા કરીને મને માફ કરો. હું જીવવા માગું છું, પણ હું શું કરી શકું? તમારી સંભાળ રાખો. આ માટે હું સંપૂર્ણપણે જવાબદાર છું. કોઈનો દોષ નથી. શાળાનાં બાળકોને મારો પ્રેમ. મારાં બાળકો, ખંતથી અભ્યાસ કરો. મારું હૃદય પીડાથી ભરેલું છે.’
સર્વેશના પરિવારનું કહેવું છે કે ‘છેલ્લા પાંચ દિવસથી તે સતત ડરમાં હતો. અણધાર્યા ભયથી તે ત્રાસી ગયો હતો. એથી કોઈ હંમેશાં તેની સાથે હતું. જોકે કોઈ તેને બચાવી શક્યું નહીં.’
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સર્વેશના મૃત્યુનું કારણ લટકવાથી થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે સર્વેશની પહેલી પત્નીએ આત્મહત્યા કરી હતી. પત્નીના મૃત્યુ પછી સર્વેશે ફરીથી લગ્ન કર્યાં હતાં. તેને ૪ બાળકો છે. સર્વેશની પત્ની બબલીના જણાવ્યા અનુસાર SIR શરૂ થયાના સાતથી ૮ દિવસ પછી તેના પતિને ફરજ પર મૂકવામાં આવ્યો હતો. કોઈ તાલીમ આપવામાં આવી નહોતી. પછી જો તે કામ ન કરે તો તેને જેલની ધમકી આપવામાં આવી હતી. આનાથી તેનો પતિ નારાજ થયો હતો, એના પછી તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. પત્નીના આરોપો વચ્ચે, શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ કહે છે કે સર્વેશ તેના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર હતો.