સ્મૃતિ ઈરાની દ્વારા `ટાઇમ 100`માં ભારતનું પ્રતિનિધિત્વ: મહિલાઓ માટે પ્રેરણા

01 November, 2025 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Smriti Irani: પોતાના લોકપ્રિય શો ‘ક્યૂંકી 2.0’માં બિલ ગેટ્સને આમંત્રિત કરીને અને ત્યારબાદ પ્રતિષ્ઠિત TIME100 ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

સ્મૃતિ ઈરાનીએ `ટાઈમ 100`નું પ્રતિનિધિત્વ કર્યું

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ભારતીય ટેલિવિઝનની લોકપ્રિય હસ્તી સ્મૃતિ ઈરાની છેલ્લા થોડા સમયથી સતત ચર્ચામાં છે. ઓક્ટોબરનો મહિનો તેમના માટે ખાસ રહ્યો છે, કારણ કે તે માત્ર જાહેર રીતે પોતાના વિચારો વ્યક્ત જ નહીં, પરંતુ સાચા અર્થમાં પરિવર્તન લાવવા માટે પ્રયાસશીલ છે. પોતાના લોકપ્રિય શો ‘ક્યૂંકી 2.0’માં બિલ ગેટ્સને આમંત્રિત કરીને અને ત્યારબાદ પ્રતિષ્ઠિત TIME100 ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને, સ્મૃતિ ઈરાની એ સાબિત કર્યું છે કે તેઓ માત્ર રાજકારણી કે અભિનેત્રી નથી, પરંતુ એક એવી દ્રષ્ટિ ધરાવતી નેતા છે જે સમાજમાં ખરેખર બદલાવ લાવવા માંગે છે.

શૂટિંગના વ્યસ્ત સમય દરમિયાન પણ તેમણે પોતાના મિશન માટે સમય કાઢ્યો. તેમનું ઈનિશિએટિવસ્પાર્ક ધ 100k કલેક્શન’ હવે વૈશ્વિક ફોરમનો ભાગ બની ગયું છે, જેના માધ્યમથી તેઓ ન્યૂયોર્કના મંચ સુધી પહોંચી છે. TIME100 ઈવેન્ટમાં સ્મૃતિ ઈરાની એ ભારત અને પોતાના પ્રોજેક્ટ “સ્પાર્ક ધ 100k કલેક્શન” વિશે વાત કરી, જેનો હેતુ દેશના 300 શહેરોમાં 1 લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા નો છે. તાજેતરમાં તેનું એક ઈવેન્ટ દિલ્હી ખાતે યોજાયું હતું, જેમાં આ પ્રોજેક્ટના છ મુખ્ય ક્ષેત્રોમાં મહિલાઓને જરૂરી કુશળતા અને માર્ગદર્શન આપવાની યોજના રજૂ થઈ.

તેમનું ઉર્જાસભર ભાષણ TIME ફોરમ પર સૌને ખુબ ગમ્યું. લોકો ફરી યાદ કરવા લાગ્યા કે કેવી રીતે એક સામાન્ય પરિવારમાંથી આવતી સ્મૃતિ ઈરાની આજે ભારતની સૌથી પ્રભાવશાળી અવાજોમાંની એક બની ગઈ છે. એક ભાવુક ક્ષણે તેમણે પોતાના બાળપણની વાત યાદ કરી કહે છે કે જિંદગી એક પૂરું ચક્ર લગાવે છે, અને આજે મારી સાથે પણ એવું જ થયું છે. બેતાલીસ વર્ષ પહેલાં નવી દિલ્હીની સડકો પર મારા પિતા, જે એક પુસ્તક વેચનાર હતા, તે એક કબાડિયાથી જૂની Time મેગેઝીન ખરીદીને વેચતા, જેથી રોજ બે ડોલર કમાઈ શકે અને પોતાની ત્રણ દીકરીઓને ખવડાવી શકે. આજે જયારે હું તમારા સમક્ષ ઉભી છું, તે માત્ર મારા માતાપિતાની મહેનતને કારણે જ શક્ય બન્યું છે કારણ કે કોઈએ મારી શિક્ષણમાં મદદ કરી, કોઈએ મને ઈમાનદાર મહેનતાણું આપ્યું અને કોઈએ મને મારા દેશમાં એક રાજકીય અવાજ બનવાની તક આપી.”

સ્મૃતિ ઈરાની એ ભારતની મહિલાઓની શક્તિ અને તેમના યોગદાન વિશે વિશાળ ગર્વ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે, “મારા દેશમાં મારી જેવી 40 કરોડ મહિલાઓ છે. તેમાથી 9 કરોડ મહિલાઓ ગ્રામિણ વિસ્તારોમાં કામ કરે છે અને દર વર્ષે નાના બિઝનેસ દ્વારા 37 બિલિયન ડોલરનો વ્યવસાય કરે છે. મારા દેશની 15 લાખ મહિલાઓ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સેવા આપે છે અને 60 લાખ મહિલાઓ દરરોજ ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર તરીકે કામ પર જાય છે.”

તેમણે પોતાના વૈશ્વિક વિઝનસ્પાર્ક ધ 100k કલેક્શન’ રજૂ કરતા કહ્યું હું અહીં એક નાનકડું બીજ વાવા આવી છું. ભારતમાં મારી સાથે એક મહિલા એ નક્કી કર્યું કે અમે 1 લાખ એવી મહિલાઓ સુધી પહોંચશું જે નાના બિઝનેસ ચલાવે છે. અમારો હેતુ હતો આપણા દેશના લોકોને મદદ કરવાનો, માત્ર સરકારની રાહ જોવાનો નહીં. અમે નક્કી કર્યું કે 300 શહેરોમાં 1 લાખ મહિલાઓ સુધી પહોંચીશું, પછી 10 લાખ સુધી, અને 100 મિલિયન ડોલરનું ઈમ્પેક્ટ ફંડ ઉભું કરીશું. જ્યારે કોઈએ પૂછ્યું કે શું તમે આ 56 દેશોમાં લઈ જઈ શકો છો? ત્યારે અમે કહ્યું હા, જરૂર કરી શકીએ છીએ.”

ભાષણના અંતે સ્મૃતિ ઈરાની એ વિશ્વના નેતાઓને દિલથી અપીલ કરી મારી એક જ અપીલ છે, વિશ્વમાં મહિલાઓ 30 ટ્રિલિયન ડોલરનું ખર્ચ નિયંત્રિત કરે છે, પરંતુ તેમનામાંથી માત્ર ત્રીજું ભાગ મહિલાઓના બિઝનેસના માલિક છે, અને તેમ છતાં તેમને પુરુષો કરતાં 20 ટકા ઓછું વેતન મળે છે. તેથી જયારે તમે તમારા સપના અને ઈરાદા પૂરાં કરવા માટે આગળ વધો છો, ત્યારે થોડી હિંમત તેમની અવાજ બનવામાં પણ રાખો જેમની પાસે પોતાનો અવાજ નથી.”

સ્મૃતિ ઈરાની નો આ સંદેશ માત્ર પ્રેરણાદાયી નથી, પરંતુ એ ભારતની મહિલાશક્તિના નવા યુગની શરૂઆત દર્શાવે છે. ‘સ્પાર્ક ધ 100k કલેક્શન’ દ્વારા તેઓ માત્ર મહિલાઓ માટે અવાજ ઉઠાવી રહી નથી, પરંતુ એક નવી દિશા અને વિચારોની ચિંગારી સળગાવી રહી છે. જેમ જેમ ઓક્ટોબર મહિનો પૂરું થતો જાય છે, એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ મહિનો સંપૂર્ણપણે સ્મૃતિ ઈરાનીનો રહ્યો છે ટીવી જગતમાં નવી ઉર્જા લાવવી હોય કે વિશ્વમંચ પર ભારતની અવાજ બનવી હોય, તેઓએ સાબિત કર્યું છે કે એક સ્ત્રી પોતાની શક્તિ અને દ્રષ્ટિથી વિશ્વ બદલી શકે છે.

smriti irani Education time magazine national news news