02 December, 2025 09:26 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે વક્ફ મિલકતોની નોંધણી માટે યુનિફાઇડ વક્ફ મૅનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશ્યન્સી ઍન્ડ ડેવલપમેન્ટ (UMEED) પોર્ટલ પર ડેટા અપલોડ કરવાની સમયમર્યાદા લંબાવવાનો ઇનકાર કર્યો છે. આ સમયમર્યાદા ૬ ડિસેમ્બરે સમાપ્ત થાય છે. કોર્ટે જણાવ્યું હતું કે ‘આ મામલે તેઓ કોઈ આદેશ જારી કરશે નહીં. જેમને તેમની વક્ફ મિલકતોની નોંધણી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે તેમના સ્થાનિક ટ્રિબ્યુનલમાં અરજી કરવી જોઈએ. કાયદો ટ્રિબ્યુનલને લંબાવવાની સત્તા આપે છે.’
કેન્દ્ર સરકારે મુસ્લિમ વક્ફ મિલકતોના સંચાલનમાં પારદર્શિતા લાવવા માટે ૬ જૂને UMEED પોર્ટલ શરૂ કર્યું હતું. આ પોર્ટલનો હેતુ દેશની તમામ વક્ફ મિલકતોનો ડિજિટલ રેકૉર્ડ બનાવવાનો છે. ૬ મહિનાની અંદર પોર્ટલ પર વક્ફ બાય યુઝર સહિત તમામ નોંધાયેલી વક્ફ મિલકતોની વિગતો અપલોડ કરવી ફરજિયાત છે.
UMEED પોર્ટલ પર તમામ વક્ફ મિલકતો માટે ફરજિયાત નોંધણીની સમયમર્યાદા લંબાવવાની માગણી કરતા અનેક પક્ષોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને અરજદારોમાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) અને રાજકીય પક્ષ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી તેમ જ અન્ય ઘણા લોકોનો સમાવેશ છે.
અરજદારો વતી વરિષ્ઠ વકીલો કપિલ સિબલ, અભિષેક મનુ સિંઘવી અને એમ. આર. શમશાદે દલીલ કરતાં જણાવ્યું હતું કે ‘દેશભરમાં લાખો વક્ફ મિલકતો છે. લોકોને પોર્ટલ પર તેમના ડિજિટલ રેકૉર્ડ અપલોડ કરવામાં નોંધપાત્ર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. ઘણી જગ્યાએ અગાઉના મુતવલ્લીઓ હવે જીવંત નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ૬ મહિનાની સમયમર્યાદા લંબાવવી જોઈએ.’
આ મુદ્દે જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યૉર્જ મસીહે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.