૬ ડિસેમ્બરે ૩૨ ગાડીઓમાં બ્લાસ્ટ કરીને બાબરીધ્વંસનો બદલો લેવાનો પ્લાન હતો

14 November, 2025 12:14 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૨૬ જાન્યુઆરીએ અમલમાં ન મૂકી શકાયેલા આ પ્લાન માટે નવી તારીખ નક્કી કરવામાં આવી હતી : વધુ બે ડૉક્ટરો પકડાયા

સોમવારે દિલ્હીમાં થયેલા બૉમ્બ-બ્લાસ્ટનું CCTV કૅમેરાનું ફુટેજ. કારમાં વિસ્ફોટ થયો ત્યારે ખાસ્સો ટ્રાફિક હોવાથી આસપાસનાં વાહનો પણ બળી ગયાં હતાં.

‍દિલ્હીમાં થયેલો બ્લાસ્ટ પ્લાન કરેલો નહોતો. જોકે એના પગલે આતંકવાદીઓનું આનાથી અનેકગણો વધુ આતંક ફેલાવવાનું ષડ્‍યંત્ર ખુલ્લું પડી ગયું છે. જૈશ-એ-મોહમ્મદની ટોળકીનો પ્લાન છઠ્ઠી ડિસેમ્બરે થયેલા બાબરી વિધ્વંસનો બદલો લેવાનો હતો. એ માટે તેઓ ૩૨ જૂની કારોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. દિલ્હીમાં આતંકવાદીઓ ૩૨ કાર તૈયાર કરી રહ્યા હતા જેના દ્વારા બ્લાસ્ટ કરી શકાય. એમાંની ૩ કાર હ્યુન્દેઇ i20, સ્વિફ્ટ ડિઝાયર અને ફોર્ડ ઇકોસ્પોર્ટ હતી. સોમવારે વિસ્ફોટ પહેલાં જ સ્વિફ્ટ ડિઝાયર જપ્ત કરી લેવાઈ હતી જેમાંથી રાઇફલ અને ગોળા-બારુદ મળી આવ્યાં હતાં. બુધવારે લાલ રંગની ઇકોસ્પોર્ટ કાર (DL10 CK 0458) ફરીદાબાદના ખંદવલી પાસે મળી આવી હતી.

એ પછી ચોથી મારુતિ સુઝુકીની બ્રેઝા કાર વિશે લીડ મળતાં એની શોધ ચાલી હતી જે ગુરુવારે અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી જ મળી આવી હતી. ઇકોસ્પોર્ટ અને બ્રેઝા કાર (HR87 U 9988)માં કોઈ વિસ્ફોટકોની હેરાફેરી થઈ છે કે કેમ એની તપાસ માટે ફૉરેન્સિક સાયન્સની ટીમ કામે લાગી ગઈ હતી.

જાન્યુઆરીમાં લાલ કિલ્લાની રેકી

દિલ્હીને સિરિયલ બ્લાસ્ટથી ધમરોળવાના ષડ્‍યંત્રનું આયોજન જાન્યુઆરી મહિનાથી ચાલી રહ્યું હતું. એ માટે આરોપીઓના મોબાઇલના ડેટા પરથી ખબર પડી હતી કે ડૉ. મુઝમ્મિલ અને ડૉ. ઉમર મોહમ્મદ નબી જાન્યુઆરીમાં અનેક વાર લાલ કિલ્લાની રેકી કરવા આવ્યા હતા. બન્નેએ અહીંની સુરક્ષા અને ભીડની પૅટર્નને સમજી હતી. પોલીસને શંકા છે કે ષડ્‍યંત્રકારીઓએ પહેલાં ૨૬ જાન્યુઆરીએ બ્લાસ્ટ કરવાનું પ્લાન‌િંગ કર્યું હશે, જે સફળ નહોતું થઈ શક્યું.

૬ ડિસેમ્બર નવો ટાર્ગેટ હતો

પોલીસે ૬ ડૉક્ટર સહિત પકડેલા કુલ ૮ આરોપીઓની પૂછપૂરછમાં તેઓ બાબરીધ્વંસનો બદલો લેવા માટે ૬ ડિસેમ્બરે સિરિયલ બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. જોકે ફરીદાબાદમાં ડૉ. મુઝમ્મિલની ધરપકડથી પ્લાન બગડી ગયો હતો. હજી શ્રીનગરનો વધુ એક શંકાસ્પદ ડૉ. નિસાર ઉલ હસન ફરાર છે. તે ડૉક્ટર્સ અસોસિએશન ઑફ કાશ્મીરનો અધ્યક્ષ હતો અને અલ-ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતો હતો.

સ્વિટ્ઝરલૅન્ડની થ્રીમા ઍપથી વાતચીત

પોલીસનાં સૂત્રોના કહેવા મુજબ ડૉ. ઉમર, ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીન ષડ્‍યંત્રની વાતચીત કરવા માટે સ્વિટ્ઝરલૅન્ડની ‘થ્રીમા’ નામની એન્ક્રિપ્ટેડ ઍપ થકી વાતચીત કરતા હતા. થ્રીમા ઍપ ફોન-નંબર કે ઈ-મેઇલ વિના કામ કરે છે અને દરેક યુઝરને એક યુનિક ID આપે છે. પોલીસને શક છે કે તેમણે પોતાનું પ્રાઇવેટ સર્વર તૈયાર કરેલું હતું જેના થકી તેઓ એકમેક સાથે કમ્યુનિકેટ કરતા હતા. 

ગઈ કાલે કાનપુરના ડૉ. આરિફની ધરપકડ થઈ હતી. (ઉપર) જોકે ડૉ. નિસાર-ઉલ-હસન હજી ફરાર છે.

બુધવારે મળેલી લાલ ઇકોસ્પોર્ટ કાર અને ગઈ કાલે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી મળી આવેલી લેડી ટેરરિસ્ટ ડૉ. શાહીનની બ્રેઝા કારની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.

કાશ્મીરના શોપિયાં, અનંતનાગ અને પુલવામામાં પણ સુરક્ષા-એજન્સીઓનું તડામાર સર્ચ-ઑપરેશન ગઈ કાલે પણ ચાલી રહ્યું હતું. 

રાસાયણિક ખાતરમાંથી વિસ્ફોટક

ડૉ. મુઝમ્મિલે ખાતરની બોરીઓના નામે વિસ્ફોટક સામગ્રી એકઠી કરવાનું શરૂ કર્યું હતું. તેને જ્યારે પૂછવામાં આવેલું ત્યારે તેણે કહેલું કે આ ખાતર છે. ખાતર ખરીદવા માટે ડૉક્ટર ટોળકીએ ૨૬ લાખ રૂપિયા જમા કર્યા હતા જે ડૉ. ઉમર પાસે હતા. એ પછી તેમણે ગુડગાંવ અને નૂહની આસપાસના વિસ્તારોમાં ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) તૈયાર કરવા માટે ૩ લાખ રૂપિયાનું ૨૬ ક્વિન્ટલથી વધુ NPK ખાતર ખરીદ્યું હતું. મુઝમ્મિલની ડાયરીમાં લગભગ ૨૫ લોકોનાં નામ હતાં જેઓ મુખ્યત્વે જમ્મુ-કાશ્મીર અને ફરીદાબાદના રહેવાસી હતા.

બે વધુ ડૉક્ટરોની ધરપકડ

કાનપુર મેડિકલ કૉલેજના કાર્ડિયોલૉજી વિભાગમાં ડૉક્ટરેટ ઑફ મેડિસિનનું ભણી રહેલો ડૉ. આરિફ ડાર પણ ડૉ. ઉમરનો જૂનો દોસ્ત હતો. NEET સુપર સ્પેશ્યલિટી એક્ઝામમાં ઑલ ઇન્ડિયા રૅન્કમાં ૧૦૦૮ની રૅન્ક મેળવનારા ડૉ. આરિફે ૩ મહિના પહેલાં જ કાનપુરની કૉલેજ જૉઇન કરી હતી. બુધવારે ઇમર્જન્સી ડ્યુટી કરીને તે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડે તેની ધરપકડ કરી હતી.

એ પછી ATSએ જમ્મુ-કાશ્મીરના રહેવાસી અને ડૉ. મુઝમ્મિલ શકીલની સાથે ભણનારા ગાયનેકોલૉજિસ્ટ ડૉ. ફારુખને તેની હૉસ્ટેલ પરથી પકડી લીધો હતો.

national news india delhi news new delhi bomb blast terror attack delhi police anti terrorism squad