17 July, 2025 12:03 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આધાર કાર્ડ
ભારતમાં દર વર્ષે લાખો લોકો દુનિયાને અલવિદા કહે છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે તેમની ઓળખ એટલે કે આધાર કાર્ડ વર્ષો સુધી સિસ્ટમમાં જીવંત રહે છે. આ સંદર્ભમાં રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ અંતર્ગત માગવામાં આવેલી માહિતી દ્વારા થયેલો ખુલાસો ખૂબ જ ચોંકાવનારો છે. છેલ્લાં ૧૪ વર્ષમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ ફક્ત ૧.૧૫ કરોડ આધાર નંબરોને નિષ્ક્રિય કર્યા છે, જ્યારે એવો અંદાજ છે કે આ સમયગાળામાં ૧૧ કરોડથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
UIDAIના ડેટા અનુસાર ૧૪ વર્ષમાં માત્ર ૧.૧૫ કરોડ આધાર નંબર નિષ્ક્રિય થયા છે, જ્યારે સરકારી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) મુજબ ૨૦૦૭થી ૨૦૧૯ વચ્ચે ભારતમાં દર વર્ષે સરેરાશ ૮૩.૫ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આવી સ્થિતિમાં અંદાજિત ૧૧ કરોડ મૃત્યુ છતાં આધાર ડેટા અપડેટ ન થવો ખૂબ જ ચિંતાજનક છે. ઘણા મૃત લોકોના આધાર નંબરો હજી પણ સિસ્ટમમાં સક્રિય છે, જે છેતરપિંડી અને સરકારી યોજનાઓના દુરુપયોગનું જોખમ વધારી શકે છે.
જૂન ૨૦૨૫ સુધીમાં દેશમાં ૧૪૨.૩૯ કરોડ આધારધારકો હતા, જ્યારે યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડ (UNFPA) મુજબ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં ભારતની કુલ વસ્તી ૧૪૬.૩૯ કરોડ હતી. આ આંકડાઓ વચ્ચે UIDAIની નિષ્ક્રિયતા સંબંધિત આંકડા ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
પ્રક્રિયા ખૂબ જ જટિલ
UIDAIના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે આધાર નંબર નિષ્ક્રિય કરવો એ એક જટિલ પ્રક્રિયા છે, જે સંપૂર્ણપણે રાજ્ય સરકારો દ્વારા અપાયેલા મૃત્યુ પ્રમાણપત્ર અને પરિવારના સભ્યોની માહિતી પર આધારિત છે. આ જ કારણ છે કે હજારો મૃત વ્યક્તિઓના આધાર નંબર હજી પણ સિસ્ટમમાં સક્રિય છે. UIDAIએ પણ સ્વીકાર્યું છે કે એની પાસે કોઈ સમર્પિત ડેટા નથી જે જણાવે કે કેટલી મૃત વ્યક્તિઓના આધાર નંબર હજી પણ સક્રિય છે. આનો અર્થ એ છે કે સિસ્ટમમાં ન તો દેખરેખ છે, ન તો પારદર્શિતા અને એના કારણે સરકારી સબસિડી, રૅશન અને પેન્શન જેવી યોજનાઓમાં છેતરપિંડી થવાની શક્યતા વધે છે.
એની શું અસર થઈ શકે?
નિષ્ણાતોના મતે જો મૃત્યુ પામેલી વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરવામાં ન આવે તો તેમના નામે નકલી ઓળખ, બૅન્કિંગ છેતરપિંડી અને સરકારી યોજનાઓનો દુરુપયોગ થઈ શકે છે. આનાથી માત્ર નાણાકીય નુકસાન જ નહીં પણ યોજનાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊભા થાય છે.
ઉકેલ શું છે?
નિષ્ણાતોનું માનવું છે કે હવે આધાર ડેટાબેઝ અને સિવિલ ડેથ રજિસ્ટર વચ્ચે વધુ સારું સંકલન સ્થાપવાનો સમય આવી ગયો છે. આનાથી માત્ર ડુપ્લિકેશન અને ઓળખની છેતરપિંડી જ નહીં, પરંતુ કલ્યાણકારી યોજનાઓમાં થતા લીકેજને પણ નિયંત્રિત કરવામાં આવશે.
UIDAIની સ્થાપના ૨૦૦૯માં થઈ હતી અને એણે ૨૦૧૦માં ૨૯ સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસીને પહેલો આધાર નંબર આપ્યો હતો.