વન્દે માતરમ્ પર સંસદમાં ચર્ચા થશે, ૧૦ કલાકનો સમય ફાળવાયો

02 December, 2025 10:35 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ એમાં ભાગ લે એવી શક્યતા

સંસદ

ગઈ કાલથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રમાં બન્ને સદનમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને વોટચોરીના મુદ્દે ચર્ચા કરવા માટે હંગામો થતાં બપોર સુધી વિપક્ષના સંસદસભ્યો વૉકઆઉટ કરી ગયા હતા. બપોર પછી ફરીથી કાર્યવાહી શરૂ થતાં કેન્દ્ર સરકારે આ અઠવાડિયે રાષ્ટ્રીય ગીત ‘વન્દે માતરમ્’ પર વિશેષ ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. 

ભારતના રાષ્ટ્રીય ગીત વન્દે માતરમ્‌ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આ સપ્તાહના અંતે લોકસભામાં એક ખાસ ચર્ચા યોજાશે. આ ચર્ચા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ૧૦ કલાકનો સમય ફાળવ્યો છે. આ ચર્ચામાં સભ્યોને સ્વતંત્રતા ચળવળમાં આ દેશભક્તિના ગીતની ભૂમિકા અને એની સમકાલીન સુસંગતતા તેમ જ ભારતના સાંસ્કૃતિક વારસાનાં પાસાંઓ પર ચર્ચા કરવાની તક મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ચર્ચામાં ભાગ લે એવી અપેક્ષા છે. આ ચર્ચા સંસદના શિયાળુ સત્રની મુખ્ય હાઇલાઇટ બનવાની અપેક્ષા છે.

જમિયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીના બયાન પછી ‘વન્દે માતરમ્’નો વિવાદ ફરી ઘેરાયો છે.

‘વન્દે માતરમ્’નો અર્થ થાય છે ‘માતા, હું તને નમન કરું છું’. એની ૧૫૦મી વર્ષગાંઠ ૭ નવેમ્બરે ઊજવાઈ હતી. આ એક શાશ્વત ગીત છે જેણે સ્વતંત્રતાસેનાનીઓ અને રાષ્ટ્રનિર્માતાઓની અસંખ્ય પેઢીઓને પ્રેરણા આપી છે. ભારતની રાષ્ટ્રીય ઓળખ અને સામૂહિક ભાવનાના શાશ્વત પ્રતીક તરીકે ઊભું છે. બંકિમચંદ્ર ચૅટરજી દ્વારા રચિત ‘વન્દે માતરમ્’ સૌપ્રથમ ૧૮૭૫ની ૭ નવેમ્બરે સાહિત્યિક સામયિક ‘બંગદર્શન’માં પ્રકાશિત થયું હતું. ત્યાર બાદ બંકિમચંદ્ર ચૅટરજીએ ૧૮૮૨માં પ્રકાશિત તેમની અમર નવલકથા ‘આનંદમઠ’માં એનો સમાવેશ કર્યો હતો.

national news india indian government parliament delhi news new delhi narendra modi Lok Sabha