12 November, 2025 02:06 PM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના મૌલા ગામમાં રહેતા બચુ ચૌધરી નામના ચાવાળાએ પોતાની દીકરીની ઇચ્છા પૂરી કરવા માટે વર્ષો સુધી બચત કરીને એક બાઇક ખરીદી હતી. દીકરીના બાઇક પર રાઇડ લેવાના સપનાને પૂરું કરવા બચુ ચૌધરીએ ૧૦ રૂપિયાના સિક્કાની બચત કરવાનું શરૂ કર્યું હતું. પહેલાં સિક્કા બરણીમાં ભર્યા અને પછી જેમ-જેમ બચત વધતી ગઈ, એક નાના પીપમાં સિક્કા ભર્યા. ૪ વર્ષની મહેનત પછી બચુ ચૌધરી પહોંચ્યા નજીકના શહેરમાં આવેલા બાઇકના શોરૂમમાં. પૂરી કિંમત આપીને બાઇક ખરીદવાની ચાવાળાની વાત સાંભળીને પહેલાં તો શોરૂમવાળાને નવાઈ લાગી, પણ જ્યારે તેણે પોતાની બચતનું ડ્રમ કાઢ્યું ત્યારે શોરૂમવાળા ચોંકી ગયા હતા. દીકરી માટે એક-એક પાઈ એકઠી કરી રહેલા પિતાની ભાવુક કરી દે એવી વાત સાંભળીને શોરૂમના કર્મચારીઓએ એ સિક્કામાં પેમેન્ટ લેવાનું સ્વીકારી લીધું. કર્મચારીઓએ કહ્યું હતું કે બચુ ચૌધરીએ આપેલા એક લાખ દસ હજાર રૂપિયાના સિક્કાની ગણતરી કરવા માટે અઢી કલાક લાગ્યા હતા.