02 December, 2025 11:27 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
નેહા નામની છોકરીનાં લગ્ન હજી છ મહિના પહેલાં જ રંજિત નામના યુવક સાથે થયાં હતાં
મધ્ય પ્રદેશમાં મોબાઇલ ગેમ રમવાની લતને કારણે પતિએ પત્નીનો જીવ લઈ લીધો હતો. પતિ આખો દિવસ પબજી ગેમ જ રમ્યા કરતો હોવાથી પત્ની તેને રમત મૂકીને કમાવા પર ધ્યાન આપવા માટે કહેતી હતી. નેહા નામની છોકરીનાં લગ્ન હજી છ મહિના પહેલાં જ રંજિત નામના યુવક સાથે થયાં હતાં. લગ્ન પછી તેણે પત્નીનાં પિયરિયાં પાસેથી દહેજ માગવાનું શરૂ કર્યું હતું. નેહા એ વાત માનતી નહોતી. રંજિત કંઈ કામધંધો કરતો નહોતો અને ઘરના દરેક ખર્ચ માટે પત્નીનાં પિયરિયાંઓ પાસે હાથ લંબાવવા માટે કહ્યા કરતો હતો. એક વાર રાતના સમયે બન્ને વચ્ચે આ બાબતે ખૂબ ઝઘડો થયો. નેહાએ ટોણો મારતાં કહ્યું કે મારા બાપ પાસેથી પૈસા માગવાને બદલે જાતે હાથપગ ચલાવ, આખો દિવસ મોબાઇલમાં ગેમ રમવાને બદલે જાતે કમાવાનું ક્યારે શરૂ કરીશ?
બસ આ વાતે રંજિતને ગુસ્સો આવી ગયો અને તેણે ત્યાં જ નેહાનું ગળું દબાવી દીધું હતું. બાજુના જ રૂમમાં બીજા પરિવારજનો હતા, પરંતુ તેમને આ હત્યાની ભનક પણ લાગી નહીં. એ પછી રંજિત ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ફરાર થઈ ગયો હતો. એ પછી તેણે નેહાના ભાઈને મેસેજ કરીને પોતે નેહાને મારી નાખી હોવાનું કહ્યું હતું. પોલીસ હવે રંજિતની શોધમાં છે.