14 November, 2025 01:18 PM IST | Satara | Gujarati Mid-day Correspondent
બટકી ભેંસ
મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના મલવડી ગામમાં એક બટકી ભેંસ છે જેને દુનિયાની સૌથી ટચૂકડી પાલતુ ભેંસનું બિરુદ મળ્યું છે. રાધા નામની આ બટકી ભેંસની ઊંચાઈ માત્ર ૮૩.૮ સેન્ટિમીટર જેટલી છે. રાધાનો જન્મ ત્રિબંક બોરાટે નામના ખેડૂતને ત્યાં ૨૦૨૨ની ૧૯ જૂને થયો ત્યારે પણ એનું કદ થોડુંક નાનું જ હતું, પરંતુ એ વખતે નહોતું લાગતું કે સમય જતાં રાધાની હાઇટ વધશે જ નહીં. એની ઉંમર વધતી ગઈ એ પછી પણ એનું કદ સામાન્ય ભેંસ કરતાં લગભગ અડધું જ હતું. માત્ર બે ફુટ આઠ ઇંચ હાઇટ ધરાવતી રાધા સામાન્ય ભેંસની તુલનામાં લગભગ અડધી છે. ત્રિબંક બોરાટેનો દીકરો અનિકેત ઍગ્રિકલ્ચરલ ગ્રૅજ્યુએટ છે. તેણે રાધાની દેખરેખમાં કોઈ કમી નથી રાખી. હવે રાધા અઢી વર્ષની થઈ છે ત્યારે અનિકેત રાધાને લઈને કૃષિ પ્રદર્શનોમાં લઈ જઈ રહ્યો છે. એને કારણે રાધાની લોકપ્રિયતા વધી રહી છે. ૨૦૨૪માં સિદ્ધેશ્વર કૃષિ પ્રદર્શનમાં રાધાએ સહુનું દિલ જીતી લીધું હતું. એ પછી તો એને કૃષિ મેળાઓમાં હાજર રહેવાનાં આમંત્રણો મળવા લાગ્યાં છે. એ લોકપ્રિયતાના પગલે જ પહેલાં એને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. એ પછી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓ આવીને વેરિફાય કરી ગયા અને રાધાને વિશ્વની સૌથી ટચૂકડી પાળેલી ભેંસનો ખિતાબ મળ્યો છે.