ક્રિકેટના મેદાન પર સતત ત્રીજા મહિને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે

01 November, 2025 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ACC announces Rising Star Men’s Asia Cup 2025 in Doha from Nov 14–23; India-Pakistan A match to be played on Nov 16.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ગઈ કાલે રાઇઝિંગ સ્ટાર મેન્સ એશિયા કપ 2025નું શેડ્યુલ જાહેર કર્યું હતું. કતરના દોહામાં આયોજિત આ T20 ટુર્નામેન્ટ ૧૪થી ૨૩ નવેમ્બર વચ્ચે રમાશે. ગ્રુપ-સ્ટેજની ૧૨ મૅચ બાદ ૨૧ નવેમ્બરે બે સેમી ફાઇનલ મૅચ રમાશે. ગ્રુપ Aમાં બંગલાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગ છે; જ્યારે ગ્રુપ Bમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAEની ટીમ સામેલ છે. આ ટુર્નામેન્ટમાં ટેસ્ટ-નેશન્સ તરફથી તેમની A ટીમ ઊતરશે.

શેડ્યુલ અનુસાર ૧૬ નવેમ્બરે એટલે કે રવિવારે ભારત અને પાકિસ્તાનની A ટીમો વચ્ચે રસપ્રદ મૅચ રમાશે. સિનિયર મેન્સ T20 એશિયા કપ દરમ્યાન સપ્ટેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ સહિત ૩ મૅચ રમાઈ હતી. વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન ઑક્ટોબરમાં બન્ને દેશની વિમેન્સ ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. આ પહેલાં ૨૦૧૩થી ૨૦૨૪ દરમ્યાન આ ટુર્નામેન્ટ ઇમર્જિંગ એશિયા કપના નામથી ઓળખાતી હતી. હાલમાં એનું નામ સ્પૉન્સરશિપને કારણે બદલાયું હોવાના અહેવાલ છે. ભારત આ ટુર્નામેન્ટની પહેલી સીઝન જીત્યું હતું.

asian cricket council indian cricket team pakistan cricket news sports news