19 July, 2025 07:44 AM IST | London | Gujarati Mid-day Correspondent
બ્રાયન લારા
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટની અધોગતિ માટે બોર્ડને જવાબદાર ગણાવ્યું છે. તે એક પૉડકાસ્ટમાં કહે છે, ‘વેસ્ટ ઇન્ડીઝ પાસે ઘણા એવા પ્લેયર્સ જેઓ હવે નક્કી કરી રહ્યા છે કે તેમણે પોતાની કરીઅર સાથે શું કરવું છે. નિકોલસ પૂરન જેવા આક્રમક પ્લેયરે ૨૯ વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. એ બિલકુલ સ્પષ્ટ છે કે તેણે આવું કેમ કર્યું. દુનિયાભરમાં પાંચ કે છ લીગ છે જેમાં રમીને તે કમાણી કરે છે. મને એમાં કોઈ સમસ્યા નથી.’
તે આગળ કહે છે કે ‘મને નથી લાગતું કે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે પ્લેયર્સને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ પ્રત્યે વફાદાર બનાવી રાખવા કોઈ સાર્થક કામ કર્યું હોય. જે રીતે ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા કે ભારત જેવા દેશોનાં બોર્ડ કરી રહ્યાં છે. એટલે સ્વાભાવિક રીતે અમારા પ્લેયર્સ બીજી બધી જગ્યાએ નજર દોડાવી રહ્યા છે. સમજી શકાય છે કે તેઓ આમ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’