20 February, 2026 03:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
૮ વખતનું ચૅમ્પિયન કર્ણાટક ૨૦૧૪-’૧૫ની સીઝન પછી પહેલી વાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે. ઉત્તરાખંડ સામેની સેમી-ફાઇનલ મૅચના અંતિમ દિવસે ઉત્તરાખંડની ટીમ ઑલઆઉટ નહોતી થઈ એને કારણે મૅચ ડ્રૉ રહી હતી. પહેલી ઇનિંગ્સની લીડના આધારે કર્ણાટકે રણજી ટ્રોફીની પોતાની પંદરમી ફાઇનલ મૅચમાં પ્રવેશ કર્યો છે. કર્ણાટક પોતાના ઘરઆંગણે જ ૨૪ ફેબ્રુઆરીથી પહેલી વખતની ફાઇનલિસ્ટ જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે ચૅમ્પિયન બનવાના ફાઇનલ જંગમાં ટકરાશે.
કર્ણાટકે ૭૩૬ રન અને ૩૨૩ રન કરીને ૮૨૭ રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી વખત સેમી-ફાઇનલ રમનાર ઉત્તરાખંડે પહેલી ઇનિંગ્સમાં ૨૩૩ રને ઑલઆઉટ થયા બાદ પાંચમા દિવસના અંતે બીજી ઇનિંગ્સનો સ્કોર ૨૬૦/૬ કરીને પડકાર આપવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્તરાખંડ માટે આદિત્ય રાવત ૧૧૪ બૉલમાં ૫૩ રન અને અભય નેગી ૬૬ બૉલમાં ૫૭ રન કરીને અંત સુધી ટકી રહ્યા હતા.
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પોતાની પહેલી ડબલ સેન્ચુરી નોંધાવીને પહેલી ઇનિંગ્સમાં ૨૩૨ રન કરનાર કર્ણાટકનો કૅપ્ટન દેવદત્ત પડિક્કલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.