24 May, 2026 08:29 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદના હેન્રિક ક્લાસેન, અભિષેક શર્મા અને ઈશાન કિશન
એક સીઝનમાં સૌથી વધુ ૨૦૦+ રનનો સ્કોર કરવાનો રેકૉર્ડ હૈદરાબાદે પોતાના નામે કર્યો છે. એક સીઝનમાં હૈદરાબાદે નવમી વખત ૨૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. ૨૦૨૫માં ગુજરાત અને પંજાબે આ કમાલ કરી હતી. IPLમાં હૈદરાબાદ ૨૨૦+ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરતી વખતે એક પણ મૅચ હાર્યા વગર સતત ૧૨મી મૅચ જીત્યું છે. પૅટ કમિન્સે પણ IPLમાં ૨૦૦+નો ટાર્ગેટ ડિફેન્ડ કરતી વખતે તમામ ૯ મૅચ જીતીને પોતાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે.
એક IPL સીઝનમાં ચોથા કે એથી નીચેના ક્રમે રમીને ૬૦૦+ રન કરનાર પહેલો બૅટર બન્યો હેન્રિક ક્લાસેનબૅન્ગલોર સામે હૈદરાબાદના હેન્રિક ક્લાસેને શુક્રવારે ૨૧૨.૫૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૨૪ બૉલમાં ૫૧ રન કર્યા હતા. તેણે એક IPL સીઝનમાં ચોથા કે એથી નીચેના ક્રમે બૅટિંગ કરીને સૌથી વધુ ૬ ફિફ્ટી ફટકારવાના મામલે રિષભ પંત (દિલ્હી કૅપિટલ્સ, ૨૦૧૮) અને ગ્લેન મૅક્સવેલ (બૅન્ગલોર, ૨૦૨૧)ના જૉઇન્ટ રેકૉર્ડની બરાબરી કરી છે. વર્તમાન સીઝનની ૧૪ મૅચમાં હેન્રિક ક્લાસેને ૧૫૯.૪૭ના સ્ટ્રાઇક-રેટથી ૬૦૬ રન કર્યા છે. સાઉથ આફ્રિકાનો આ વિકેટકીપર-બૅટર એક IPL સીઝનમાં ચોથા કે એથી નીચેના ક્રમે રમીને ૬૦૦થી વધુ રન કરનાર પહેલો બૅટર બન્યો છે. વર્તમાન સીઝનમાં હેન્રિક ક્લાસેને ઈશાન કિશન સાથે ૫૪૭ રન અને નીતીશ કુમાર રેડ્ડી સાથે ૪૫૨ રન કર્યા છે. IPLની એક સીઝનમાં નૉન-ઓપનર્સ તરીકે પાર્ટનરશિપથી સૌથી વધુ રન કરનાર જોડીના લિસ્ટમાં આ બન્ને જોડી હવે ટૉપ-ટૂમાં છે.
બીજી વખત એક ટીમના ત્રણેત્રણ બૅટર્સે એકસાથે ફટકાર્યા ૫૦૦+ રન
હૈદરાબાદના હેન્રિક ક્લાસેન (૬૦૬ રન), ઈશાન કિશન (૫૬૯ રન) અને અભિષેક શર્મા (૫૬૩ રન) એક ટીમ માટે એક સીઝનમાં ૫૦૦થી વધુ રન કરનાર બીજી ત્રિપુટી છે. અગાઉ ૨૦૨૫ની સીઝનમાં ગુજરાત માટે સાઈ સુદર્શન (૭૫૯ રન), શુભમન ગિલ (૬૫૦ રન) અને જૉસ બટલરે (૫૩૮ રન) આ કમાલ કરી હતી.
શુક્રવારે બૅન્ગલોરના કૅપ્ટન રજત પાટીદારે પોતાની ૫૬ રનની ઇનિંગ્સ દરમ્યાન ફટકારેલી એક સિક્સર IPLની તેની ૧૦૦મી સિક્સર બની હતી. ભારતીય ખેલાડીઓમાં સૌથી ઝડપી ૯૩૩ બૉલમાં રજત પાટીદારે ૧૦૦ સિક્સર પૂરી કરી છે. અગાઉ શિવમ દુબેએ ૯૯૨ બૉલમાં ૧૦૦ સિક્સર ફટકારી હતી. IPLમાં સિક્સરની સેન્ચુરી કરનાર ફાસ્ટેસ્ટ ખેલાડીઓમાં રજત પાટીદાર ત્રીજા ક્રમે પહોંચ્યો છે. પહેલા ક્રમે આન્દ્રે રસેલ (૬૫૭ બૉલ) અને બીજા ક્રમે નિકોલસ પૂરન (૮૮૪ બૉલ) છે. રજત પાટીદારની આગેવાનીમાં બૅન્ગલોરે ૨૦૨૫માં બીજા ક્રમે અને આ સીઝનમાં પહેલા ક્રમે પોતાનો લીગ-સ્ટેજનો રાઉન્ડ પૂરો કર્યો છે.