ટેસ્ટમાં ઇન્ડિયાની સૌથી મોટી ઇનિંગ્સ-જીત, ફૉલો-ઑન બાદ અફઘાનિસ્તાનની કારમી હાર

09 June, 2026 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી ઇનિંગ્સમાં ૧૫૨ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં અફઘાનિસ્તાન ૧૧૨ રન જ કરી શક્યું, શુભમન ગિલ ઍન્ડ કંપનીએ એક ઇનિંગ્સ અને ૩૦૦ રનની જંગી જીત નોંધાવી...

સ્પિનર માનવ સુથારના હાથમાં ટેસ્ટ-મૅચની ટ્રોફી પકડાવીને જીતની ઉજવણી કરી શુભમન ઍન્ડ કંપનીએ

ભારતના રેકૉર્ડ ૩૧મા ટેસ્ટ-વેન્યુ મુલ્લાંપુરમાં ભારતે અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ-મૅચમાં ત્રણ દિવસની અંદર એક ઇનિંગ્સ અને ૩૦૦ રનની જંગી જીત નોંધાવી હતી. ભારતે ૧૨૭ ઓવરમાં બે સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરીની મદદથી ૫૬૪-૮ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. અફઘાનિસ્તાન પહેલી ઇનિંગ્સમાં ૫૮.૪ ઓવરની રમતમાં ૧૫૨ રને ઢેર થતાં ભારતે ગઈ કાલે ફૉલો-ઑન આપ્યું હતું. અફઘાનિસ્તાન બીજી ઇનિંગ્સમાં ૩૫.૫ ઓવરમાં ૧૧૨ રનનો સ્કોર કરી શક્યું હતું.

બીજા દિવસના અંત સુધીમાં ભારતીય બોલિંગ-યુનિટ સામે ૩૯.૫ ઓવરમાં ૧૧૩ રનના સ્કોર પર અફઘાનિસ્તાનના પાંચ બૅટર્સ તંબુભેગા થઈ ગયા હતા. રહમત શાહે પહેલા દાવમાં અફઘાન ટીમ માટે ૧૩૫ બૉલમાં ૯ ફોર અને એક સિક્સની મદદથી ૬૦ રન કર્યા હતા. અફઘાને ત્રીજા દિવસની શરૂઆતમાં પોતાની પાંચેય વિકેટ લગભગ ૧૪ ઓવરમાં ૩૪ રનની અંદર ગુમાવી હતી. 
ડાબોડી સ્પિનર માનવ સુથારે બાવીસ ઓવરમાં ૩૩ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. ૨૩ વર્ષના આ ખેલાડીએ પહેલી જ ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં ૧૦ ઓવર મેઇડન ફેંકી હતી. પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૩ વિકેટ અને સ્પિનર વૉશિંગ્ટન સુંદરે ૧ વિકેટ ઝડપી હતી.

ફૉલો-ઑન મળ્યા બાદ અફઘાનિસ્તાન માટે ઓપનર સેદીકુલ્લાહ અટલે મોટો સ્કોર કરીને મજબૂત શરૂઆત અપાવી હતી. તેણે ૮૦ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સની મદદથી ૪૨ રન કર્યા હતા. જોકે વારંવાર પડી રહેલી વિકેટને કારણે અફઘાની ટીમની હાર સુનિશ્ચિત થઈ હતી. સ્પિનર શરાફુદ્દીન અશરફ ઇન્જરીને કારણે ઍબ્સન્ટ આઉટ રહ્યો હતો. 
ભારત માટે બીજા દાવમાં સ્પિનર્સ વૉશિંગ્ટન સુંદરે ૪ વિકેટ અને કુલદીપ યાદવે ૩ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને માનવ સુથારને એક-એક સફળતા મળી હતી. માનવ સુથારે આ દાવમાં ૧૦ ઓવરમાં ૨૯ રન આપીને બે ઓવર મેઇડન પણ કરી હતી.

ભારતની સૌથી મોટી ઇનિંગ્સ જીત
અફઘાનિસ્તાન સામે ૨૦૨૬માં ઇનિંગ્સ અને ૩૦૦ રનથી
વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૧૮માં ઇનિંગ્સ અને ૨૭૨ રનથી
અફઘાનિસ્તાન સામે ૨૦૧૮માં ઇનિંગ્સ અને ૨૬૨ રનથી
બંગલાગેશ સામે ૨૦૦૭માં ઇનિંગ્સ અને ૨૩૯ રનથી
શ્રીલંકા સામે ૨૦૧૭માં ઇનિંગ્સ અને ૨૩૯ રનથી

ભારતની ધરતી પર અને એશિયન ટીમ દ્વારા બીજી સૌથી મોટી જીત
વર્ષ ૨૦૧૮ બાદ આ વર્ષે અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી મૅચમાં પણ ભારતે જીત નોંધાવી છે. ટેસ્ટ-ક્રિકેટમાં એક ઇનિંગ્સથી મળેલા રિઝલ્ટ મામલે ભારતની આ સૌથી મોટી જીત અને અફઘાનિસ્તાનની સૌથી મોટી હાર હતી. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસની આ દસમી સૌથી મોટી જીત પણ હતી. ભારતની ધરતી પર આનાથી મોટી જીત માત્ર ૧૯૫૮માં વેસ્ટ ઇન્ડીઝને મળી હતી. 
કૅરિબિયન ટીમે ભારતને ઈડન ગાર્ડન્સમાં એક ઇનિંગ્સ અને ૩૩૬ રને જીત નોંધાવી હતી. ભારતની આ જીત એશિયન ટીમ દ્વારા મેળવવામાં આવેલી બીજી સૌથી મોટી જીત છે. આ લિસ્ટમાં પહેલા ક્રમે પાકિસ્તાનની ૨૦૦૨ના વર્ષની ન્યુ ઝીલૅન્ડ સામેની એક ઇનિંગ્સ અને ૩૨૪ રનની જીત સામેલ છે. 

afghanistan india indian cricket team sports news cricket news