૧૭ વર્ષ બાદ ટીમ ઇ​ન્ડિયાને મેલબર્નમાં મળી T20 હાર

01 November, 2025 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅનબેરામાં વરસાદ સાથે શરૂ થયેલી પાંચ મૅચની T20 સિરીઝની બીજી મૅચ ચાર વિકેટે જીતીને યજમાન ટીમે ૧-૦ની લીડ મેળવી છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓપનર અભિષેક શર્માએ ફટકારેલી શાનદાર ફિફ્ટી છતાં ભારત ૧૮.૪ ઓવરમાં ૧૨૫ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

કૅપ્ટન સૂર્યકુમાર યાદવની વિકેટ લીધા બાદ સાથી-પ્લેયર્સ સાથે ઉજવણી કરતો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ

કૅનબેરામાં વરસાદ સાથે શરૂ થયેલી પાંચ મૅચની T20 સિરીઝની બીજી મૅચ ચાર વિકેટે જીતીને યજમાન ટીમે ૧-૦ની લીડ મેળવી છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓપનર અભિષેક શર્માએ ફટકારેલી શાનદાર ફિફ્ટી છતાં ભારત ૧૮.૪ ઓવરમાં ૧૨૫ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ૧૩.૨ ઓવરમાં ૬ વિકેટે ૧૨૬ રન કરીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત ૨૦૦૮ બાદ પહેલી જ વખત T20 મૅચ હાર્યું છે.

ઑસ્ટ્રેલિયા ટૂર પર સતત પાંચમો ટૉસ હારીને ટીમ ઇ​ન્ડિયા પહેલાં બૅટિંગ કરવા ઊતરી હતી. ભારતે ૭.૩ ઓવરમાં ૪૯ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર અભિષેક શર્માએ ૩૭ બૉલમાં ૮ ફોર અને બે સિક્સરના આધારે ૧૮૩.૭૮ના સ્ટ્રાઇક-રેટથી ૬૮ રનની ઇનિંગ્સ રમી હતી. સાતમા ક્રમે રમીને ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ૩ ફોર અને એક સિક્સરની મદદથી ૩૩ બૉલમાં ૩૫ રનનું યોગદાન આપ્યું હતું. ઑસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ચાર ઓવરમાં માત્ર ૧૩ રન આપીને ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર નૅથન એલિસ અને ઝેવિયર બાર્ટલેટને પણ બે-બે સફળતા મળી હતી.

ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શે ૨૬ બૉલમાં બે ફોર અને ચાર સિક્સરની મદદથી ૪૬ રનની ઇનિંગ્સ રમી હતી. ટૉપ ઑર્ડરના અન્ય બૅટર ટ્રૅવિસ હેડે ૧૫ બૉલમાં ૨૮ રન અને જોશ ઇંગ્લિસે ૨૦ બૉલમાં ૨૦ રન કરીને રનચેઝને સફળ બનાવી દીધી હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પિનર્સ વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવને બે-બે વિકેટ મળી હતી. 
melbourne abhishek sharma indian cricket team cricket news sports news